મણિપુર : રાહત શિબિરોમાં લોકોની વેદના, ખબર નહીં ક્યારે ઘરે જઇશું

ઇમ્ફાલ, મણિપુરમાં ફેલાયેલી જાતીય હિંસાની આગને આજે બે મહિના થઈ ગયા છે. હિંસાને કારણે હજારો લોકોને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી છે. એકલા મણિપુરમાં ૩૫૯ રાહત શિબિરોમાં લગભગ ૫૦ હજાર લોકો રહે છે. પાડોશી મિઝોરમ, નાગાલેન્ડ અને આસામમાં પણ મણિપુરના હજારો લોકો કેમ્પમાં આશરો લઇ રહ્યા છે. ભાસ્કરે જ્યારે શિબિરો પર પહોંચીને ત્યાં રહેતા લોકોની સ્થિતિ વિશે જાણ્યું તો લોકોને ઘર છોડવાની પીડાની સાથે અનિશ્ર્ચિત ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી છે.

ઇમ્ફાલના લંબોઇ ખોંગનાંગ વિસ્તારમાં રાહત શિબિરમાં રહેતા એમ. ધનંજય સિંહે જણાવ્યું હતું કે અમારું જીવન ખૂબ જ સુખી હતું પરંતુ હિંસાએ જીવનને વેર-વિખેરી કરી નાખ્યું. જ્યારે ૩ મેના રોજ હિંસા શરૂ થઈ ત્યારે અમને ઘરેથી ભાગતા પહેલાં અમારી સાથે કોઈ સામાન લેવાની તક પણ મળી ન હતી. એક્સાથે વિસ્તાર ખાલી કરાવ્યો હતો. તે સમયે જીવન બચાવવું એ પ્રાથમિક્તા હતી. હવે બે મહિના વીતી ગયા છે. ખબર નહીં ક્યારે અમે ઘરે જઇશું.

ધનંજયની જેમ આ રાહત કેમ્પમાં લગભગ ૫૦૦ લોકો છે. આ તમામની વેદના એક સરખી છે. તેમનું કહેવું છે કે અમે અમારા જ ઘરમાં શરણાર્થી બની ગયા છીએ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમની મુલાકાત દરમિયાન આશ્ર્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં ઘરે પરત ફરશો પરંતુ તે વાતને પણ એક મહિનો વીતી ગયો છે. એક ચિંતા એ પણ સતાવી રહી છે કે અમે ઘરે પાછા ફરવાનું સપનું જોઈ રહ્યા છે તે સુરક્ષિત છે કે નહીં. અમારા પડોશનાં મોટા ભાગનાં ઘરોમાં આગ લાગી હતી. સરકાર તરફથી હવે આ શિબિરોમાં રહેતા લોકોને મીણબત્તી બનાવવા જેવાં કામ શીખડાવવામાં આવી રહ્યાં છે, જેથી સમય પસાર થાય અને બે પૈસા પણ કમાવી શકે.

શિબિરોમાં જીવન મૃત્યુ કરતાં પણ બદતર છે. શિબિરોમાં રહેતી મહિલાઓના ચહેરા પર સર્વસ્વ ગુમાવવાની પીડા સ્પષ્ટ દેખાય છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુમાન લમ્પક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કેમ્પમાં રહેતી મનોરમા દેવી કહે છે કે જ્યારે તે કોવિડમાંથી સ્વસ્થ થઈ ગઈ ત્યારે આ હિંસાએ બધું છીનવી લીધું. સરકાર અને નેતાઓ માત્ર વચનો આપે છે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે અહીં મુલાકાત લીધી હતી અને ૧૦૦૦ રૂપિયાની મદદ કરી હતી. જીવનનો આધાર છીનવાઈ ગયો છે.

શિબિરોમાં નવજાત શિશુઓની કિલકારી આશાનું કિરણ જગાડી રહી છે. ઇમ્ફાલમાં યુથ હોસ્ટેલમાં ગર્ભવતી મહિલાઓ માટેના કેમ્પમાં ૧૯ જેટલાં બાળકોના જન્મ થયાં છે. અહીં ૫૦ જેટલી ગર્ભવતી મહિલાઓ પણ છે. બે એવી પણ મહિલા છે જેમણે સ્થળાંતર સમયે જંગલમાં જ બાળકોને જન્મ આપવો પડ્યો હતો. સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં વિવિધ કેમ્પમાં ૧૫૦ બાળકોના જન્મ થયા છે. આ બાળકોનાં નામકરણ પણ રસપ્રદ છે. મોટા ભાગના નામ છોકરાઓ માટે ‘લાન નામ્બા’ અને છોકરીઓના ‘લાનજેનાબી’ રાખવામાં આવ્યાં છે. આ નામ મણિપુરી યોદ્ધાઓના પ્રતીક છે. ૩૮ વર્ષીય એસ્થર હોટ્ટાએ ઇમ્ફાલ પશ્ર્ચિમ જિલ્લાના મંત્રી પુખરી ખાતેના કેમ્પમાં બીજા બાળકને જન્મ આપ્યો છે. તે એક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સાનિલીન હોટ્ટાની પત્ની છે. તેમને આસામ રાઈફલ્સના સૈનિકો અહીં લઈ આવ્યાં હતાં. ઈમ્ફાલના ખુમના લેમ્પક ખાતેના કેમ્પમાં અત્યાર સુધીમાં ૧૦ છોકરાઓ અને ૯ છોકરીઓનો જન્મ થયો છે.