IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ભારતનો 7 વિકેટે શાનદાર વિજય, વિરાટ કોહલી અને ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં T20 શ્રેણીની આજે બીજી મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટીંગ કરવા મેદાન આવેલ ઈંગ્લેન્ડની ટીમે ઓપનર જોસ બટલરની વિકેટ ગુમાવવા છતાં સારી શરુઆત કરી હતી. ઓપનર જેસન રોયે 46 રન કર્યા હતા. 20 ઓવરના અંતે ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. જેના જવાબમાં ઈશાન કિશન અને કેપ્ટન વિરાટ કોહલી એ અર્ધ શતક લગાવ્યા હતા. જેને લઈને ભારતે 7 વિકેટે મેચ જીતી લઈને શ્રેણીને 1-1થી બરાબર કરી હતી.

ભારત બેટીંગ ઈનીંગ

ભારતીય ટીમે પ્રથમ ઓવરમાં જ શૂન્ય રનના સ્કોર પર જ ઓપનર કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી. ભારત માટે આમ તો મુશ્કેલ શરુઆત લાગી રહી હતી. પરંતુ ઈશાન કિશને ચોગ્ગા અને છગ્ગા લગાવવા સાથે શરુઆત કરતા જ ભારતની સ્થિતી મેચમાં મજબૂત કરી દીધી હતી. ડેબ્યુ મેચ રમી રહેલા ઈશાન કિશને દિલ જીતી લેનારી ઈનીંગ રમી હતી. તેણે 32 બોલમાં 56 રનની ઈનીંગ રમી હતી. જોકે તે એક મોટો શોટ રમવાના પ્રયાસમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. વિરાટ કોહલીએ પણ કેપ્ટન ઈનીંગ રમી હતી અને તેણે અર્ધ શતક લગાવ્યુ હતુ. વિરાટ કોહલીએ 49 બોલમાં 73 રન કર્યા હતા. ઋષભ પંતે પણ ધુઆધાર બેટીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 13 બોલમાં જ 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 26 રન કર્યા હતા. ભારતે 17.5 ઓવરમાં જ ભારતે 166 કરીને જીત મેળવી હતી.

ઈંગ્લેન્ડ બોલીંગ

ભારતીય ટીમની બેટીંગ ઈનીંગની શરુઆતમાં જ ઈંગ્લેન્ડ પ્રથમ ઓવરમાં જ ભારતીય ઓપનરની વિકેટ ઝડપી હતી. સેમ કુરને પ્રથમ ઓવરને મેઈડન નાંખવા સાથે એક વિકેટ મહત્વની ઝડપી લેતા ભારતીય ડ્રેસીંગ રુમમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે આગળની ઓવરથી જ ઈશાન કિશન ઈંગ્લેન્ડના બોલરો પર હાવી થઈ ગયો હતો. ઈંગ્લેન્ડના બોલરો ખાસ સફળ રહ્યા નહોતા. સેમ કુરન, ક્રિસ જોર્ડન અને આદિલ રાશિદે એક એક વિકેટ ઝડપી હતી. બેન સ્ટોકે એક જ ઓવરમાં 17 રન લુટાવ્યા હતા. ટોમ કુરન પણ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો.

ઇંગ્લેંડ બેટીંગ ઇનીંગ

ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ઓપનરની જોડી શરુઆતમાં જ તુટી ગઈ હતી. ઈનીંગના ત્રીજા બોલે જ ભુવનેશ્વરનો શિકાર જોસ બટલર થયો હતો. શૂન્ય રન પર જ બટલર એલબીડબલ્યુ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે ત્યારબાદ જેસન રોય અને ડેવિડ મલાનએ સ્થિતીને સંભાળી હતી. જેસન રોયે 35 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 46 રન કર્યા હતા. જ્યારે ડેવિડ મલાન 23 બોલમાં 24 રન કરીને આઉટ થયો હતો. 64 રનના સ્કોર પર ઈંગ્લેન્ડે બીજી વિકેટ મલાનના સ્વરુપમાં ગુમાવી હતી. જ્યારે જેસન રોયના રુપે ત્રીજી વિકેટ 91 રનના સ્કોર પર ગુમાવી હતી. જોની બેયરસ્ટોએ 20 રન અને કેપ્ટન ઈયોન મોર્ગને 28 રન કર્યા હતા. બેન સ્ટોક્સ 21 બોલમાં 24 રન કરીને શાર્દુલ ઠાકુરનો શિકાર થયો હતો. અંતમાં સેમ કુરન અને ક્રિસ જોર્ડન અણનમ રહ્યા હતા.

ભારતની બોલીંગ

ભારતે વિકેટ ઝડપીને શરુઆત કરી હતી. ભૂવનેશ્વર કુમારે ઈનીંગની શરુઆતની ઓવરના ત્રીજા બોલે જ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ભાગીદારી વધારી રહેલ જોડીને યુઝવેન્દ્ર ચહલે તોડી હતી. તેણે ડેવિડ મલાનને આઉટ કર્યો હતો. વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભૂવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે એક એક વિકેટ ઝડપી હતી. ચહલ અને હાર્દિક પંડયા ખર્ચાળ બોલર સાબિત થયા હતા. હાર્દિકને ચાર ઓવર કરવા છતાં એકેય વિકેટ મળી નહોતી.