ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત પંચાયત સભ્યો માટે એકદિવસીય ‘કેપેસિટી બિલ્ડિંગ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

 રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત BRGF ભવન ખાતે આયોજન: પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ પર મુકાયો ભાર

 પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ સભ્યોને નિષ્ઠા અને પારદર્શિતાથી કામ કરવા પ્રેરિત કર્યા

પંચમહાલ જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતોમાં તાજેતરમાં ચૂંટાયેલા નવનિયુક્ત સભ્યોની કાર્યક્ષમતામાં વધારો થાય અને તેઓ પંચાયતી રાજની વિવિધ કામગીરીથી વિસ્તૃત રીતે માહિતગાર થાય તેવા શુભ હેતુથી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત આજરોજ ગોધરા શહેર સ્થિત BRGF ભવન હોલ ખાતે એકદિવસીય ‘કેપેસિટી બિલ્ડિંગ’ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ શિબિરમાં ગાંધીનગરથી આવેલી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની વિશેષ ટીમ દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસકામોને વેગ આપવા તેમજ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનું ગ્રામીણ સ્તરે સચોટ આયોજન અને અસરકારક અમલીકરણ કેવી રીતે કરવું તે અંગે સભ્યોને ગહન અને તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રભારી  મંત્રીશ્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “પંચાયતના પ્રતિનિધિઓ એ ગ્રામીણ વિકાસની મુખ્ય કડી છે.” તેમણે તમામ નવનિયુક્ત સભ્યોને પ્રજાકીય કાર્યો પ્રત્યે પૂર્ણ નિષ્ઠા, પ્રમાણિકતા અને પારદર્શિતા દાખવીને લોકસેવાના કાર્યો કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નીરજભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય,જિલ્લા અને તાલુકા પંચાયતના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નવનિયુક્ત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર તાલીમ મેળવી હતી.