કોલકતા, પશ્ર્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી પહેલા બંગાળ એસટીએફે માલદામાં હિંસાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. બંગાળ એસટીએફએ માલદામાંથી બે હથિયાર ડીલરની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચાર પિસ્તોલ અને ૨૫ રાઉન્ડ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓના નામ લુત્ફર રહેમાન અને મોહમ્મદ શરીફ છે. પોલીસે ખાનગી બાતમીના આધારે આ બે આરોપીઓની હથિયારો સાથે ધરપકડ કરી હતી.
તેમાંથી લુત્ફર રહેમાનનું ઘર રતુઆ વિસ્તારમાં છે. જ્યારે, મોહમ્મદ શરીફનું ઘર ઉત્તર દિનાજપુરના ગોલપોખર વિસ્તારમાં છે. ખાનગી સૂત્રો પાસેથી માહિતી મળ્યા બાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આ ઓપરેશન હાથ ધર્યું હતું. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટના શનિવારે રાત્રે રતુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના જનનગર વિસ્તારમાં બની હતી. ધરપકડ કરાયેલા લુત્ફર રહેમાન અને મોહમ્મદ શરીફ પાસેથી ચાર વન-શોટર અને ૨૫ રાઉન્ડ કારતુસના પેકેટ મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા લોકો સામે રતુઆ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેણે દારૂગોળો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.