જળસંકટનો સામનો કરતા ગોદીરોડ સહિતના વિસ્તારોમાં સાંસદ અથવા જન પ્રતિનિધિઓ વિસ્તારક તરીકે ક્યારે આવશે..? ચર્ચાતો સવાલ…

  • સાંસદ સભા ચૂંટણીને અનુલક્ષીને જનસંપર્કમાં વ્યસ્ત:પાલિકા તંત્ર સાડી વોકથોનમાં મસ્ત, જ્યારે ગોદીરોડ સહીત દાહોદના મોટાભાગના વિસ્તારો પાણીની સમસ્યાથી ત્રસ્ત…
  • પાલીકાતંત્રે પાણી મુદ્દે દહોદવાસીઓને રામભરોસે મૂક્યા: મોદીના 9 વર્ષની સિદ્ધિનું ગુણગાન કરતા સાંસદ દાહોદ વાસીઓની સમસ્યા ક્યારે દુર કરશે ..??
  • દાહોદવાસીઓ 600 રૂપિયાના ભાવે ટેન્કરનું પાણી ખરીદી રહ્યા છો 2024 માં યાદ રાખજો..!!

દાહોદ, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. અને બીજી ટર્મના છેલ્લા વર્ષમાં મંગળ પ્રવેશની સાથે બીજેપી ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને સાંસદ બગલ થેલો લઈને વિસ્તારક તરીકે લીમખેડા, દેવગઢ બારીયા,ગરબાડા વિસ્તારમાં, કેન્દ્રની મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલી સિદ્ધિઓ ગણાવી આગામી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મમાં ચૂંટી વિજ્ય બનાવવા ધંધે લાગી ગયા છે. તો બીજી તરફ દાહોદ નગરપાલિકા જે પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી, સાફ-સફાઈ મુદ્દે સોશિયલ મીડિયામાં સફાઈ કર્યાના ફોટો મૂકી રાત દિવસ કામ કરી રહ્યા હોય તેવા ડોળ કરી રહી છે. શું નગરપાલિકાએ સફાઈ કર્યા બાદ તેની જાળવણી અંગે વિચાર્યું છે.? અથવા ડિમોલીશનમાં વિસ્થાપિત થયેલા વેપારીઓની તકલીફો સાંભળી છે. અથવા તેને દૂર કરવા છેલ્લાં બે માસમાં શું કામગીરી કરી છે તે સાર્વજનિક કરી છે.? વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં અને કેવી રીતે? કેટલા સમયમાં ઉભી કરી દેશે તે અંગે કોઈ ગંભીરતા દાખવી છે..? અથવા કોઈ રોડમેપ પ્રજા સમક્ષ મૂક્યો છે ખરો.? આ તમામ સવાલો તો એક બાજુ રહ્યા. તદુપરાંત ચોમાસુ શરૂ થઈ ગયો છે. દાહોદના ગોદી રોડ તેમજ કડાણા જળાશય આધારિત વિસ્તારો જે છેલ્લા કેટલાય મહિનાઓથી જળ સંકટથી ઝઝુંમી રહ્યા છે. તે અંગે કાયમી નિકાલ માટે કોઈ સુચારૂ વ્યવસ્થા ગોઠવી છે ખરી.? નથીને કારણ કે નગરપાલિકાએ 25,000 ની આબાદી ધરાવતા ગોદી રોડ તેમજ કડાણા જળાશય આધારિત વિસ્તારોને રેઢીયાળ મૂકી દીધા છે.તાજેતરમાં પાલિકા તંત્રે નગરપાલિકાના જુદા જુદા વેરા સહિતનો ફરફરીયું તમામ વોર્ડમાં ઘરે ઘરે મોકલી તો દીધા છે. જેમા વેરો અને ખાસ સામાન્ય પાણી વેરો તે પણ પ્રકારની લાજ શરમ વગર ઉઘરાવી રહ્યાં છે. તો શું તમે તમામ લોકોને પાણી સમયસર પૂરૂં પાડ્યું છે.? તો પછી કયા હકથી તમે પાણી વેરા ઉઘરાવી રહ્યાં છો.?આવા તમામ પ્રકારના સવાલો જન માનસમાં ઉગ્ર સ્વરૂપે ઉદભવી રહ્યા છે. 25,000 ની આબાદી ધરાવતો ગોદી રોડ તેમજ કડાણા જળાશય આધારિત વિસ્તારો છેલ્લાં કેટલાય મહિનાથી હતાશ મને જળ સંકટનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં 400 થી 600 રૂપિયાના ભાવે પાણીનું વહેંચાતું ટેન્કર, પીવા માટે 30 રૂપિયા કિંમતનું 20 લીટરનું કેરબો બજારમાંથી ખરીદી રહ્યા છે. એક તરફ આવી કારમી મોંઘવારીમાં જ્યાં તમામ જીવન જરૂરિયાતના સાધનો સંસાધનોના ભાવો આસમાને છે. એજ્યુકેશન મેડિકલ તમામ સુવિધાના દર ટોંચ પર પહોંચી ગયા છે. ત્યારે આવા કપરા સમયમાં બજારમાંથી પાણી ખરીદીને નગરપાલિકાને પાણી વેરો તેમજ ખાસ સામાન્ય પાણી વેરો ઈમાનદારીથી ભરનાર ખમીરવંતા દાહોદવાસીઓને સલામ છે. છતાં કોઈપણ પ્રકારનો વિરોધ નહીં કરતાં દાહોદ વાસીઓની સહેનશીલતા પણ ગજબ ની છે. આટલી બધી તકલીફોનો સામનો કરી રહેલા નગરવાસીઓને રેઢા મૂકી પાલિકાતંત્ર સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીના સંયુક્ત ક્રમે સાડી વોકેથોન કાર્યક્રમને યોજયો છે.એક તરફ ચોમાસુ જમાવટ કરી રહ્યો છે. બીજી તરફ પ્રી મોન્સુનની કામગીરી પૂર્ણ ન કરાતા ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવાઈ રહ્યા છે. જળ સંકટ સામે ગોદીરોડ સહિતના વિસ્તારો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. તેવા સમયે આઝાદી કા અમૃત મહોત્સવના આ અમૃતકાળમાં પાલિકા તંત્ર, સાંસદ, દાહોદવાસીઓની મુલાકાત લઈ નગરવાસીઓને પડી રહેલી મુસીબતો તેમજ કષ્ટોને દૂર કરવાની દિશામાં આયોજન કરવાની જગ્યાએ સાંસદ, ચૂંટણી મોડમાં આવી ગયા છે. કેન્દ્રના મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા કામોની સિદ્ધિઓ ગણાવી 2024 માટે મત માંગવા ઝોળી લઇને વિસ્તારક તરીકે ગામડાઓ ખૂંદી રહ્યાં છે. પાલીકા તંત્ર સાડી વોકેથોન આયોજીત કરી રહી છે.તો બીજી તરફ ગોદિરોડ સહિતનાં વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો પાણીની સમસ્યાની સામે હાલાકીની સાથે સામનો કરી રહ્યાં છે. ત્યારે દાહોદવાસીઓની સમસ્યાઓને દર કિનાર કરી પાલિકા વોકેથોન યોજયો છે. આનાથી દાહોદ વાસીઓને શું ફાયદો.? પાણી અને ગંદકીથી મોટી કોઈ સમસ્યા છે ખરી.?તે અંગેનો ગંભીર સવાલ પ્રજાજનોમાં ઉપસીને આવી રહ્યો છે. ત્યારે સાંસદ અને પાલિકા તંત્ર આ અંગે ગંભીર વિચાર કરી દાહોદની શાંતિ પ્રિય અને ખમીરવંતી પ્રજાની સહનશીલતાની વધુ પરીક્ષા ન લઈ તેમને પડતી સમસ્યાઓને દૂર કરવા આગળ આવે આવનારા 2024 માં લોકસભા ઇલેક્શનમાં મત માંગવા વિસ્તાર તરીકે ત્યાંના અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્યારે જશો.? અને જે જનતાને પાંચ વર્ષ દરમિયાન મુશ્કેલીઓમાં પડખે ઉભા રહી સમસ્યા દૂર કરવાની જગ્યાએ જવાબદારીઓમાંથી દૂર ભાગી બીજા કાર્યક્રમમાં જોતરાયેલા રહ્યા છો તો કયા મોઢે દાહોદ વાસીઓ પાસે મત માંગશો તેવા સવાલો અંગે ગંભીરતાથી વિચાર કરી પ્રજાલક્ષી કામોમાં સાંસદ તેમજ જન પ્રતિનિધિઓ ગ્રાસ રૂટ લેવલ પર કોઈ નક્કર કામગીરી કરે તેવી લાગણી અને માંગણી હાલના તબક્કે ઉઠવા પામી છે.