મોરવા(હ), મોરવા-હડફ તાલુકાના માતરિયા વેજમા ગામે આવેલા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમને બાતમી મળી હતી કે, મોરવા હડફ તાલુકાના માતરિયા વેજમા ગામે આવેલા પટેલ ફળિયામાં આવેલા રહેણાંક મકાનમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરે છે. જે ચોક્કસ બાતમીના આધારે ગતરોજ સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ દ્વારા બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો મારવામાં આવ્યો હતો.
પોલીસે રહેણાંક મકાન માંથી રૂ.48,100/-નો અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ તેમજ બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં ઘનિષ્ઠ તપાસ કરતા રૂ.65,970 રોકડ તેમજ રૂ.10 હજારની કિંમતના 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.1.24 લાખનો મુદ્દામાલ કબજેકર્યો હતો. પોલીસની રેડ દરમ્યાન પંકજકુમાર ઉર્ફે પીન્ટુ વિનોદભાઈ બારીયા નામનો ઇસમ પકડાઈ ગયો હતો. જેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભૂતિયા ગામના રાજેશકુમાર ઉર્ફે રાજુ મૂડાભાઈ પટેલે આપ્યો હોવાની કેફીયત વર્ણવી હતી. સમગ્ર મામલે મોરવા-હડફ પોલીસ મથકે બે ઈસમો સામે પ્રોહીબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.