ભરૂચ જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરી ૨૪ કલાકમાં ૭ બોગસ તબીબો ઝડપી પડાયા

  • આ ઝોલાછાપ ડોકટરોએ દવાખાનાના પાટિયા લટકાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા માંડ્યા હતા.

ભરૂચ, ભરૂચ પોલીસે ૭ મુન્નાભાઈને ઝડપી પાડી ડોક્ટર્સ ડે ની વિશેષ રીતે ઉજવણી કરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભરૂચ જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરી ૨૪ કલાકમાં ૭ બોગસ તબીબોને ઝડપી પડી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઝોલાછાપ ડોકટરોએ દવાખાનાના પાટિયા લટકાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા માંડ્યા હતા.એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે જિલ્લાભરમાં આ બોગસ તબીબોને ઝડપી પાડવા તપાસ અભિયાન ચલાવ્યું હતું. તબીબી જ્ઞાનના અભાવે હાઈ ડોઝની દવાઓ આપી આ કહેવાતા તબીબોએ લોકો માટે જીવનું જોખમ ઉભું કરી દીધું હતું. પોલીસે આઇપીસી અને ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડૉ.લીના પાટીલની સુચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટરો” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. એ.એ.ચૌધરીનાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ. આર.એલ.ખટાણા તથા પો.સ.ઈ. આર.એસ.ચાવડા નાઓએ અલગ-અલગ ટીમો બનાવી પોલીસ કર્મચારીઓ સાથે ભરૂચ શહેર “એ”ડીવીઝન પો.સ્ટે.,નબીપુર પો.સ્ટે., અંકલેશ્ર્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન, અંકલેશ્ર્વર શહેર બી ડીવી પો.સ્ટે.,વેડચ પો.સ્ટે., વાગરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

પોલીસે માહિતી મેળવી કુલ-૭ દવાખાના આરોગ્ય અધિકારીઓને સાથે રાખી ચેક કરતા કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓઅને ઇન્જેકશન સાથે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ૭ શખ્શો હાથ લાગ્યા હતા. આ તમામ પાસેથી કુલ રૂપિયા ૧.૭૦ લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૩૩૬ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

ઝડપાયેલા બોગસ તબીબોના નામ:

  1. મનોજકુમાર ચંપકલાલ વખારીયા રહે.મ.નં.૧૩ શુભલક્ષ્મી બંગલોઝ,ઝાડેશ્ર્વર રોડ,ભરૂચ
  2. કરોરસિંગ દર્શનસિગ સંન્દુ રહે,મ.નં ૪૧ પુષ્પકુંજ સોસાયટી,ઝાડેશ્ર્વર રોડ,ભરૂચ
  3. ત્રીનાથ બાબુરામ બિસ્વાસ રહે.મ.ન. ૦૫ રાજપીપળા રોડ,સારંગપુર,તા.અંકલેશ્ર્વર જી.ભરૂચ
  4. તુષાર શ્યામપદ રોય રહે.મ.નં-૧૦ આઈ.એસ રેસીડેન્સી,સારંગપુર તા.અંકલેશ્ર્વર જી.ભરૂચ
  5. અબુલ અબદુર રઉફ રહે.રોશન સોસાયટી,મસ્જીદની બાજુમાં પિરામણ ગામ, તા.અંકલેશ્ર્વર જી.ભરૂચ
  6. અરવિંદભાઈ દુખીભાઈ વિશ્ર્વકર્મા રહે.પિલુદ્રા,મહાદેવ ટેકરો તા.જંબુસર જિ.ભરૂચ.
  7. પરેશભાઈ મનહરલાલ કંસારા રહે.સી/૬૦૧,અભ્યુદય હાઈટસ ટાવર-સી,દહેજ બાયપાસ રોડ ભરૂચ