રાજકોટ, રાજકોટના આજીડેમમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યાની ઘટનાની ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે આપઘાત પહેલા યુવકે બનાવેલો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં યુવકે આપઘાત પાછળનું કારણ જણાવ્યું છે. વિગતો મુજબ ઓનલાઈન તીનપત્તી ગેમમાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફાયર વિભાગની ટીમે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.
રંગીલા રાજકોટમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક યુવકે વિડીયો બનાવી આજી નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ યુવકે આપઘાત કરતાં પહેલા એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેણે ઓનલાઈન તીનપત્તી ગેમમાં લાખો રૂપિયા ગુમાવ્યાનું કહ્યું છે. આ સાથે માત્ર ગેમમાં પૈસા હારી જવાનું નહીં પણ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરું છું તેવું વિડીયોમાં સંભળાઈ રહ્યું છે.
આપઘાત કરનાર યુવકે કહ્યું કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે ને કે એ હું શબ્દોમાં બયાન નથી કરી શક્તો, આજી નદી છે, હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના ૬૫,૦૦૦ રૂપિયા, હર્ષના ૩૦,૦૦૦, અશ્ર્વિનભાઈના ૨૦,૦૦૦ અને ૧૫,૦૦૦ એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, કારણ છે કેટલાય, હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સ્યુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજો, અને બની શકે તો, મને માફ કરી દેજો, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો પ્લીઝ..