મધ્યપ્રદેશ -રાજસ્થાન સહિત ૧૭ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ:ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવે બંધ

  • ત્રણ રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહમાં ૩૫ લોકોના મોત.

નવીદિલ્હી, ઉત્તરાખંડના ચમોલીના છિનકામાં ભૂસ્ખલનને કારણે હાઈવે બ્લોક થઈ ગયો હતો. જ્યારે, ગુજરાતના કચ્છ જિલ્લામાં ગાંધીધામ રેલ્વે સ્ટેશનની અંદર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. દેશના હવામાન વિભાગે આ અઠવાડિયે લગભગ તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ -રાજસ્થાન સહિત ૧૭ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરાખંડના ચમોલીમાં શનિવારે સવારે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો હતો. આ પહેલા ૨૯ જૂને પણ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે ૧૭ કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્રણ રાજ્યોમાં ભારે વરસાદથી છેલ્લા એક સપ્તાહમાં ૩૫ લોકોના મોત થયા છે. છેલ્લા ૩૦ કલાકથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ૧૦ લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે કચ્છ જિલ્લાના ગાંધીધામ રેલવે સ્ટેશનની અંદર પાણી ભરાઈ ગયા છે.

આ તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) હેઠળ ૧૯ રાજ્યોની સરકારોને ૬,૧૯૪.૪૦ કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે. આ ભંડોળનો ઉપયોગ ચોમાસામાં રાહત અને બચાવ કાર્ય માટે કરવામાં આવશે.હિમાચલ પ્રદેશના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ૨૪ લોકોના મોત થયા છે. ૪૩ લોકો ઘાયલ થયા છે અને ૩૫૦ થી વધુ પશુઓ પણ માર્યા ગયા છે. રાજ્યને ૨૪૦ કરોડથી વધુનું નુક્સાન થવાનો અંદાજ છે.

દિલ્હીની એર ક્વોલિટી પર ચોમાસાની સારી અસર પડી છે. શુક્રવારે સાંજે વરસાદને કારણે દિલ્હીનો એક ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૦થી નીચે આવી ગયો છે. જ્યારે, હર્ષ વિહાર વિસ્તારમાં નાળુ ઓવરલો થવાને કારણે, એક ઓટો તેમાં પડી ગઈ, જેના કારણે ડ્રાઇવરનું મૃત્યુ થયું. ભારે વરસાદને કારણે શુક્રવારે કેદારનાથ યાત્રા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. ચમોલીમાં ભૂસ્ખલન થયાના ૧૭ કલાક બાદ બદ્રીનાથનો રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર રાજ્યમાં પૂરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે ૨૦ હજારથી ઓછા લોકો પૂરની ઝપેટમાં છે. અગાઉ ગુરુવારે ૩૮ હજાર અને બુધવારે ૮૩ હજાર લોકો પૂરની ઝપેટમાં આવ્યા હતા. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશ ના રીવા જિલ્લામાં એક યુવક નદીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો. આસપાસ હાજર લોકોએ દોરડાની મદદથી તેને બચાવ્યો હતો.આગામી ચોવીસ કલાકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ , ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ર્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડશે. છત્તીસગઢ, ઓડિશા, મરાઠવાડા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં હવામાન સ્વચ્છ રહેશે

મુંબઇમાં ચોમાસુ મોડુ આવ્યુ પણ ભારે વરસાદ સાથે આવ્યું છે. મુંબઈમાં પડી રહેલા તોફાની વરસાદને પગલે, ચોમસાની શરૂઆતમાં જ ૧૦ લોકોના મોત નીપજયાં છે. ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળે છે. મુંબઈમાં ચોમાસાની શરૂઆતમાં આફત બનીને વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા હોવાનું .દ્વારા સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો છે.

આગામી ૫ દિવસ સુધી મહારાષ્ટ્રમાં જુદા-જુદા જીલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગએ જણાવ્યું કે, ૨ જુલાઈથી વરસાદનો નવી ઈનિંગ શરૂ થશે અને વરસાદની તીવ્રતા વધશે. મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાવાને કારણે ૧૦થી ૧૫ કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી ગઈ છે. પુણેમાં રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. નાશિકમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકમાં નુકશાન થયું છે.દરમિયાન ગુજરાતના જામનગરને મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યાં બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. વરસાદને કારણે જામનગરના સંખ્યાબંધ વિસ્તારો જળમગ્ન બની ગયા. જ્યાં નજર જાય ત્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. ત્યારે ગુલાબનગર વિસ્તારમાં હજી પણ ઘરોમાંથી પાણી ન ઓછરતા લોકો હેરાન પરેશાન થયા છે. લોકો પાણી વચ્ચે જ રાત વિતાવવા મજબૂર બન્યાં હતા.