એક સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળ્યા પરિવારના 5 સભ્યો, દુર્ગંધથી ખુલ્યું રહસ્ય

  • બિહારમાં દિલ્હીના બુરાડી જેવી ઘટના
  • એક જ પરિવારના 5 લોકોએ ગળે ફાંસો ખાધો

બિહારના સુપૌલથી એક મોટી ઘટના સામે આવી છે. આ ઘટના દિલ્હીના બુરાડીમાં થોડાક સમય પહેલા થયેલી ઘટના જેવી જ છે. અહીં એક જ પરિવારના 5 સભ્યોએ એક સાથે ગળો ફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં પતિ-પત્ની અને તેમના 3 બાળકો સહિત 5 લોકોએ મોતને ભેટ્યા છે.

સુપૌલના રાઘોપુર પોલીસ સ્ટેશન ના ગદ્દી ગામ ના વોર્ડ ચારમાં એક ઘરની અંદરથી જ પરિવારના પાંચ સભ્યોની લાશ મળી હતા. બધા શબ એક ઘરની અંદર એક જ રુમમાં લટકતા જોવા મળ્યા હતા. જેમાં ગામના મિશ્રીલાલ સાહ, તેમની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર સામેલ છે. આ ઘર છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતું. આસપાસના લોકોને તીવ્ર દુર્ગંધ મારતા કંઇક અજુગતુ થઇ હોવાની આશંકા ગઇ હતી. ગામના સરપંચે મોડી રાત્રે 9 વાગ્યે ગામલોકોની મદદથી મિશ્રી લાલના ઘર પરની બારી તોડી તો પરિવારના 5 સભ્યો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં. તમામ મૃતદેહ કોહવાઈ ગયેલી સ્થિતિમાં હાથ લાગ્યા હતાં.

મૃતકોમાં ઘરના માલિક મિશ્રીલાલ સાહ (52 વર્ષ), તેમની પત્ની રેણુ દેવી (44), મોટી દીકરી રોશન કુમારી(15), પુત્ર લલન કુમાર (14) અને નાની પુત્રી ફુલ કુમારી (8 વર્ષ) સામેલ છે.

ગામના સરપંચે કહ્યું હતું કે, મૃતક પરિવારની ગામમાં કોઈની સાથે કોઈ જ દુશ્મની નહોતી. મિશ્રી લાલ પાસે કોઈ રોજગારી નહોતી. જેથી કદાચ આર્થિક તંગીના કારણે પરિવારે આત્મહત્યા કરી હશે.

અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા બુરાડી ગામમાં એક જ પરિવારના 11 લોકોએ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ દેશભરમાં ભારે સનસનાટી મચાવી દીધી હતી. ટુંકાગાળામાં આ બીજી ઘટના બની છે.

Don`t copy text!