બાળકના જીવન ઘડતરમાં જેટલું માતા-પિતાનું મહત્ત્વ હોય છે તેટલું જ તેને ભણાવતા શિક્ષકનું પણ હોય છે. આપણે ત્યાં શિક્ષકને એક ઉચ્ચ સ્થાને ગણવામાં આવે છે અને તેમને ગુરુ પણ કહેવાય છે, પરંતુ ગુરુ જ નશામાં હોય તો? મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શાળાનો શિક્ષક જે પોતે ત્યાંનો આચાર્ય પણ છે જે શનિવારના રોજ શાળામાં નશો કરીને આવ્યો અને જિલ્લા શિક્ષણાધિકારીએ તેને નશાની હાલતમાં ઝડપી પાડ્યો. શિક્ષક પાસે તપાસમાં આવેલા અધિકારીએ ડોક્યુમેન્ટ દસ્તાવેજ માગ્યા પણ શિક્ષકને કંઈ ખ્યાલ જ ન આવ્યો એટલે શિક્ષણાધિકારીને શંકા ગઈ કે નક્કી આ ફુલ નશાની હાલતમાં છે. પછી તો શિક્ષકને શિક્ષણાધિકારીએ તેમની સરકારી ગાડીમાં બેસાડ્યો અને સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં જઈ તેના વિરુદ્ધમાં એફઆઈઆર કરાવી હતી.
સમગ્ર મામલે મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરીએ જણાવ્યું હતું કે, આજ રોજ અમે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની શાળાઓની તપાસણી માટે નીકળ્યાં હતાં. જેમાં અમે ત્રણ શાળા બાદ ચોથી શાળાની તપાસ માટે વાછલાવાડા પ્રાથમિક શાળામાં પહોંચ્યાં ત્યારે ત્યાંના આચાર્ય અમને ગ્રાઉન્ડમાં જોવા મળ્યા હતા. તેનો ચહેરો જોતા જ અમને થોડી શંકા જણાઈ કે શિક્ષકે નશો કરેલો છે. એટલા માટે અમે અંદર જઈ એમની પૂછતાછ કરી. પછી એમની પાસે અલગ અલગ દસ્તાવેજો માગ્યા, પરંતુ શિક્ષકને એ ખ્યાલ જ આવતો નહતો કે સૂચના આપ્યા છતાં મેડમ શું માગી રહ્યાં છે. એટલે અમારી શંકા થોડી વધુ દૃઢ બની. સાથે સાથે શાળામાં જે વિધાર્થીઓ હાજર હતા તે પણ ખૂબ ઓછા જણાયા અને ઓનલાઇન હાજરી ભરેલી હતી તે પણ એમણે સાચી ભરી નથી. આ બધી બેદરકારી અમને જણાઈ એટલે વધારે પ્રશ્નો પૂછતાં તેઓ મૂંઝાઇ ગયા, એટલે અમે કડકમાં કડક કાર્યવાહી કરવા અર્થે તેમને સીધા જ અમારી ગાડીમાં બેસાડી ડિટવાસ પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એ આચાર્ય વિરુદ્ધમાં એફઆઈઆર દર્જ કરાવી હતી.
વધુમાં શિક્ષણાધિકારી પર કયા પ્રકારની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ તપાસની આ એફઆઈઆર સંદર્ભમાં પોલીસ પોતાની તપાસ પ્રક્રિયા આગળ વધારશે અને એમનું મેડિકલ ચેકઅપ થઈ ગયું છે. એ મેડિકલનો રિપોર્ટ આવશે. આ બન્ને રિપોર્ટના આધારે આપણે આગળ એમની તપાસ કરી જો આ ગુનો છે તો એની આપણને પૂરતી સાબિતી મળી જશે. એટલે એમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ શાળામાં કેટલા શિક્ષકો છે અને શાળામાં રજિસ્ટર સંખ્યા કેટલી છે તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ શાળાની અંદર 29 વિદ્યાર્થીઓ રજિસ્ટર છે અને 2 શિક્ષકો કામ કરી રહ્યા છે.
આ બાબતે મહીસાગરના dysp પી.એસ. વળવીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી આજે કડાણા તાલુકાની સ્કૂલની વિઝિટમાં હતાં. તે દરમિયાન વાછલાવાડા પ્રાથમિક શાળામાં મુલાકાતે ગયાં હતાં. ત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સરદાર માલિવાડ કેફી પીણાની અસર હેઠળ જણાતાં તેમને લઈને ડિટવાસ પોલીસ સ્ટેશન લઈ જઈ તેમણે ફરિયાદ આપી છે. સરદાર માલીવાડને મેડિકલ તપાસણી કરી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન કેફી પીણું પીવા અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે અને હાલ આ તપાસ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારી શાળાના શિક્ષણ પર મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ આવી શાળાના શિક્ષકો શાળામાં પોતાની ફરજ દરમિયાન નશો કરીને આવતા તે તમામ દાવાઓ પર સવાલ ઉદભવી રહ્યા છે. શિક્ષક જ ખુદ નશો કરીને શાળામાં આવે તો બાળકોના ભવિષ્યનું શું?