જૂનાગઢ, અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગઈકાલે સાંજે શહેરમાં ધોધમાર વરસાદ પડયો હતો.જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આજે સવારે પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો ૨ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે જનજીવનને અસર પડી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોધપુર વિસ્તારમાં સૌથી વધુ છેલ્લા ૪ કલાકમાં ૬.૫ ઈંચ વરસાદ પડ્યો હતો. તો બોપલમાં ૪.૫ ઈંચ તેમજ બોડકદેવમાં ૪ ઈંચથી વધુ તો સાયન્સ સિટી વિસ્તારમાં ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર વાહનચાલકો અધવચ્ચે અટવાયા હતા. ભારે વરસાદના કારણે અમદાવાદના ચાર અન્ડરપાસ બંધ કરી દેવાયા હતા. બીજીતરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના ૭ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢના વિસાવદરમાં માત્ર ૧૨ કલાકમાં સૌથી વધુ ૧૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. તો જામનગરમાં પણ ૧૦ ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છની વાત કરીએ તો અંજારમાં સૌથી વધુ ૯ ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યના ૫૦ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ નાંધાયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, તો શહેરી વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. હવામાન વિભાગની આગાહીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા પહોચ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રીએ કલેકટર સાથે ફોન પર વાતચીત કરી હતી.
વિસાવદર સહિત સમગ્ર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના સ્થળાંતર સહિતની માહિતી મેળવી હતી. સાથે જ રસ્તાઓ પર પાણીનો ભરાવો થવાને કારણે વાહનવ્યવહાર કે જનજીવનને અસર ન પડે તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચન કર્યું હતું. ભારે વરસાદની શક્યતાને પગલે જૂનાગઢ અને જામનગરમાં એસડીઆરએફની ૧-૧ ટીમ મોકલવામાં આવી છે.