શેરબજારે તોડ્યા તમામ રેકોર્ડ, સેન્સેક્સ પહેલીવાર ૬૪,૭૧૮ પર બંધ, નિફ્ટી પણ ૧૯૨૦૦ની સપાટીએ પહોંચ્યો

મુંબઇ, આજે શેરબજારમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સે તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. બપોરે ૩.૩૦ વાગ્યે ટ્રેડિંગ સમાપ્ત થાય તે પહેલાં, સેન્સેક્સ (બીએસઇ સેન્સેક્સ) ૮૦૩.૧૪ પોઈન્ટ્સ અથવા ૧.૨૬ ટકા વધીને ૬૪,૭૧૮.૫૬ ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સનો અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ સ્તર ૬૪,૭૬૮.૫૮ છે. આજે સેન્સેક્સ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો છે, ત્યારબાદ રોકાણકારોની સંપત્તિમાં બમ્પર વધારો થયો છે. આ સિવાય નિફ્ટી એ પણ આજે બજારમાં નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે. નિફ્ટી આજે ૨૧૬.૯૫ પોઈન્ટ એટલે કે ૧.૧૪ ટકાના વધારા સાથે ૧૯,૧૮૯.૦૫ ના સ્તર પર બંધ થયો હતો. આજે બજારમાં નિફ્ટી નું રેકોર્ડ સ્તર ૧૯,૨૦૧.૭૦ રહ્યું છે. જુલાઈ મહિનાની શરૂઆત પહેલા જ સેન્સેક્સ-નિફ્ટી એ માર્કેટમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

આજના વધારા બાદ સેન્સેક્સનું માર્કેટ કેપ રૂ. ૨૯૫.૭૨ લાખ કરોડ પર પહોંચી ગયું છે. જો સેન્સેક્સના ટોપ શેર્સની વાત કરીએ તો આજે આઇસીઆઇસીઆઇ બેંક અને એનટીપીસીના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આ સિવાય તમામ શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૮ વધ્યા અને ૨ ઘટ્યા. બીજી તરફ, એમએન્ડ, આઇઆઇબી, હિરો મોટો કેપ, ટીસીએસ,મારુતિ અને બજાજ ઓટો સહિત ૪૦ નિફ્ટી -૫૦ શેરો આગળ વધ્યા હતા. અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, અપોલો હોસ્પિટલ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ, ડિવિસ લેબ, આઈસીઆઈસીઆઈ બેંક અને બીપીસીએલના ૧૦ નિફ્ટી શેરોમાં ઘટાડો થયો હતો.

એનએસઇના ૧૧ ક્ષેત્રીય સૂચકાંકોમાંથી, ૧૦માં ઉછાળો અને ૧માં ઘટાડો જોવા મળ્યો. આઇટી સેક્ટરમાં સૌથી વધુ ૨.૫૦%નો વધારો થયો છે. ઓટો અને પીએસયુ બેન્ક સેક્ટરમાં પણ ૨% થી વધુનો વધારો થયો છે. ફાર્મા અને પ્રાઈવેટ બેંક સેક્ટરમાં ૧% થી વધુનો વધારો જોવા મળ્યો. બેન્ક , ફાઇનાન્શિયલ સર્વિસીસ , એફએમસીજી, મીડિયા અને રિયલ્ટી સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી. મેટલ સેક્ટરમાં માત્ર નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

આજે એમએન્ડના શેર ૪ ટકાના વધારા સાથે રેકોર્ડ સ્તરે છે. આ સિવાય ઇન્ફોર્સસ , ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, ટીસીએસ, મારુતિ, એલએન્ડટી, ટેક મહિન્દ્રા, વિપ્રો, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, એચડીએફસી, ટાટા મોટર્સ, રિલાયન્સ, ભારતી એરટેલ સહિત ઘણી કંપનીઓના શેરમાં સારી ખરીદી જોવા મળી છે.એસબીઆઇ જે બાદ આ તમામ શેરો લીલા નિશાનમાં બંધ થયા છે. શેરમાં વધારા સાથે, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. ૨,૯૫,૭૨, ૩૩૮.૦૫ કરોડ થઈ હતી. અગાઉ, ૨૧ જૂને, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. ૨,૯૪,૩૬,૫૯૪.૫૦ કરોડ સુધી પહોંચી હતી.

આઇઆઇએફએલ સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, નીચા ફુગાવા અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો સહિતના ઘણા કારણો છે, જેના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે.બજારમાં તેજીના ૫ કારણો જોઇએ તો ઓછી મોંઘવારીથી બજારને સપોર્ટ મળ્યો છે.,ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે.,ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે, તેનાથી બજારને ટેકો મળ્યો છે.,વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.,ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયેલા વધારાથી પણ બજાર મજબૂત બન્યું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. વર્ષની શરૂઆતમાં એટલે કે ૨ જાન્યુઆરીએ (બજાર ૧ જાન્યુઆરીએ બંધ હતું) સેન્સેક્સ ૬૧,૧૬૭ના સ્તરે હતો, જે હવે (૩૦ જૂન) ૬૪,૭૧૮ પોઈન્ટ (બંધ) થઈ ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં લગભગ ૬% એટલે કે ૩,૫૫૧ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જાણકારોના મતે આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે.

આ પહેલા બુધવાર એટલે કે ૨૮ જૂને શેરબજારે તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી બનાવી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૬૪,૦૫૦ની સપાટીએ પહોંચી ગયો હતો. જો કે, આ પછી તે થોડો ઘટ્યો હતો અને ૪૯૯ પોઇન્ટ ચઢીને ૬૩,૯૧૫ પર બંધ થયો હતો. નિફ્ટી એ પણ ૧૯,૦૧૧ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. આ પછી તે પણ થોડો નીચે આવ્યો અને ૧૫૪ પોઈન્ટથી વધુના વધારા સાથે ૧૮,૯૭૨ના સ્તરે બંધ થયો.

૨૫ જુલાઈ, ૧૯૯૦ ના રોજ, બીએસઇ સેન્સેક્સ પ્રથમ વખત ૧ હજારની સપાટીને સ્પર્શ્યો હતો. ૧ હજારથી ૧૦ હજાર સુધી આવતા લગભગ ૧૬ વર્ષ (૬ ફેબ્રુઆરી ૨૦૦૬) લાગ્યા, પરંતુ ૧૦ હજારથી ૬૦ હજારની સફર માત્ર ૧૫ વર્ષમાં પૂરી કરી.