
- આ ફ્લેટ માફિયા અતીક અહેમદના કબજામાંથી મુક્ત કરવામાં આવેલી જમીન પર બનાવવામાં આવ્યા છે.
લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ૭૬ ફલૅટની ચાવી લાભાર્થીઓને સોંપી છે. આ ફ્લેટ માફિયા અતીક અહેમદના કબજામાંથી મુક્ત કરવામાં આવેલી જમીન પર બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ૨૦૧૭ પહેલા આ રાજ્યમાં માફિયાઓ સરકારી જમીન પણ હડપ કરી લેતા હતા, પરંતુ આજે અમે માફિયાઓથી મુક્ત થયેલી જમીન પર ગરીબો માટે ઘર બનાવી રહ્યા છીએ. આ ફ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બનાવવામાં આવ્યા છે અને ૯મી જૂને લોટરી દ્વારા ફાળવવામાં આવ્યા હતા. સીએમ યોગીએ લાભાર્થીઓને અપાયેલા ફ્લેટના સ્થળ પર બાળકો સાથે વાતચીત કરી, અને ગરીબો માટે બનાવવામાં આવેલા ફ્લેટનું પણ નિરીક્ષણ કર્યું.
સીએમ યોગીએ સ્થળ પર કહ્યું, આ એ જ રાજ્ય છે જ્યાં ૨૦૧૭ પહેલા કોઈપણ માફિયા ગરીબોની, વેપારીઓની અથવા તો સરકારી સંસ્થાઓની જમીન હડપ કરી શક્તા હતા. પછી ગરીબો માત્ર લાચાર બનીને જોઈ શક્તા હતા. હવે, અમે ગરીબો માટે મકાનો બનાવી રહ્યા છીએ. માફિયાઓ પાસેથી જે જમીન કબજે કરવામાં આવી છે તે જ જમીન પર, આ એક મોટી ઉપલબ્ધિ છે.
અતીક અહેમદ ૨૦૦૫માં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો પણ આરોપી હતો અને તે કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ આ વર્ષે ફેબ્રુઆરીમાં હતો. અતીક અને તેના ભાઈ અશરફ અહેમદને આ વર્ષે ૧૫ એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પત્રકાર તરીકે ઓળખાતા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
લાભાર્થીઓને માત્ર ૩.૫ લાખ રૂપિયામાં ૪૧ ચોરસ મીટરમાં બનેલો ફ્લેટ મળ્યો હતો.અહેવાલ અનુસાર અધિકારીઓએ કહ્યું કે બે રૂમ, એક રસોડું અને શૌચાલયની સુવિધાવાળા ફ્લેટ ની કિંમત ૬ લાખ રૂપિયા છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ અરવિંદ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, અલાહાબાદ મેડિકલ એસોસિએશનના ઓડિટોરિયમમાં ફાળવણી માટે લોટરી હાથ ધરવામાં આવી હતી. ૬,૦૩૦ અરજદારોની ચકાસણી બાદ, ૧,૫૯૦ લોટરીમાં ભાગ લેવા માટે લાયક જણાયા હતા. સીએમ યોગી આદિત્યનાથે પ્રયાગરાજના લુકરગંજ વિસ્તારમાં અતીક અહેમદના કબજામાંથી મુક્ત કરાવ્યા બાદ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ ૧,૭૩૧ ચોરસ મીટર જમીન પર આ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.