
જમ્મુ, અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થયુ છે. આજે સવારે લગભગ ૪.૧૫ વાગ્યે પ્રાર્થ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરી પવિત્ર યાત્રાની શરુઆત કરાવી હતી. આ દરમિયાન જમ્મુનો બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગમાં રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેનાથના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ સમૂહ પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયો છે.
હિમાલય ક્ષેત્રમાં ૩,૮૮૦ મીટરની ઉંચાઈએ કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે ભારે બરફ વર્ષા વચ્ચે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી જે બાદ આજે વહેલી સવારે પ્રથમ જૂથને લીલી ઝંડી બતાવી યાત્રાની શરુઆત કરવામાં આવી છે. આ યાત્રા માટે જૂથ પહેલગામ અને બાલતાલ માટે રવાના થયુ છે. અહેવાલો અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે નમાજ અદા કર્યા બાદ જમ્મુમાં પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી.મનોજ સિન્હાએ બેઝ કેમ્પ પહેલા અમરનાથ યાત્રાના પ્રથમ બેચને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે બાબા અમરનાથને તમામ ભક્તો માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. એલજીએ કહ્યું કે તમામ ભક્તોને સુરક્ષિત અને આધ્યાત્મિક યાત્રા માટે શુભેચ્છા.
મળતી માહિતી મુજબ અમરનાથની યાત્રાએ જતા ભક્તોમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ભક્તો ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા. ભક્તો કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી બાલતાલ અને પહેલગામ જવા રવાના થયા છે. આ પ્રથમ બેચને ૧લી જુલાઈના રોજ દર્શન કરવાનો મોકો મળશે. ઉધમપુર, ૧૩૭ બટાલિયન સીઆરપીએફના કમાન્ડન્ટ રમેશ કુમારે જણાવ્યું કે યાત્રા હાલમાં જ ટિકરી સ્થિત કાલી માતા મંદિર પહોંચી છે. ટ્રાવેલ સિક્યોરિટીનું કામ ચાલુ છે. તમામ મુસાફરો અને લોકો ઉત્સાહિત છે. સ્થાનિક લોકોએ પણ અમરનાથ યાત્રીઓનું સ્વાગત કર્યું છે.