
બેંગ્લુરુ, કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૧ અને ૨૦૨૨ ની વચ્ચે જાહેર કરાયેલા દસ બ્લોકિંગ આદેશોને પડકારતી ટ્વિટર ની અરજીને ફગાવી દીધી હતી, જેમાં સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીને ૩૯ યુઆરએલને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, ટ્વિટર કોઈ ખેડૂત કે કાયદાથી અજાણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ અબજોપતિ કંપની છે.
જર્સિટસ કૃષ્ણા એસ દીક્ષિતે ટ્વિટર પર ૫૦ લાખ રુપિયાનો દંડ પણ લગાવ્યો અને કહ્યું કે, તેણે સમય પર બ્લોક કરવાની કેન્દ્ર સરકારની માંગનું પાલન ન કરવાનું કારણ કહ્યું નથી. નિર્ણયનાઓપરેટિવ ભાગોનો ઉલ્લેખ કરતા, જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારના સ્ટેન્ડથી સહમત છે કે તેની પાસે માત્ર ટ્વીટ્સને બ્લોક કરવાની સત્તા નથી, પરંતુ તે એકાઉન્ટ્સને પણ બ્લોક કરી શકે છે.
એપ્રિલમાં કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા ફ્રેબુઆરી ૨૦૨૧ અને ફ્રેબુઆરી ૨૦૨૨ વચ્ચે ૩૯ યુઆરએલને દુર કરવા માટે જાહેર કરાયેલા ૧૦ આદેશને પડકારનાર ટ્વિટની એક અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જેના પર આજે એટલે કે, શુક્રવારના રોજ નિર્ણય સંભળાવતા અરજી ફગાવી છે અને ટ્વિટર પર જ ૫૦ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.
ટ્વિટરે દલીલ કરી હતી કે, કેન્દ્ર સરકાર પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવા માટે સામાન્ય આદેશો જાહેર કરવાનો અધિકાર નથી અને આદેશોમાં એવા કારણો હોવા જોઈએ જે વપરાશર્ક્તાઓને જણાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ભારતની સાર્વભૌમત્વ અથવા જાહેર વ્યવસ્થા સામે ખતરો હોય ત્યારે જ સરકાર હસ્તક્ષેપ કરશે. સરકારના સીલબંધ પરબિડીયાઓ મોકલવા પર પ્રતિબંધ મૂકવાના આદેશો પણ હાઇકોર્ટમાં રજૂ કરાયા હતા.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૨૦૨૨ સુધી કેન્દ્ર સરકારે ટ્વિટરને કેટલાક એકાઉન્ટ બંધ કરવા સહિત અનેક સૂચનાઓ આપી હતી, પરંતુ ટ્વિટર આ સૂચનાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં ગઈ હતી. હવે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.