
રાજકોટ, રાજકોટ જિલ્લામાં ૨૯ જૂનથી ૩૦ જૂન સવાર સુધીમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૬ ઇંચ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જામકંડોરણા તાલુકામાં આવેલા ચેક ડેમો ઓવરલો થયા છે. ધોરાજી તાલુકામાં ૫.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમ પણ ભરાઈ ગયો હતો.

ઉપલેટા તાલુકામાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો પાણીના નવા નીરથી ભરાઈ ગયા હતા. જેતપુર તાલુકામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જેતપુર તાલુકાની આસપાસના જળાશયોમાં પણ નવા નીર આવ્યા હતા. ભારે વરસાદના કારણે જેતપુર શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પડધરી તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ વરસતા પડધરી તાલુકામાં આવેલા નાના-મોટા જળાશયોમાં નવા નીર આવ્યા હતા.

આ ઉપરાંત જસદણ તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ગોંડલ તાલુકામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકામાં વરસાદના વરસાદના કારણે ગોંડલી નદીમાં નવા નીર આવ્યા હતા, ભારે વરસાદના કારણે ગોંડલ શહેરની નાની બજાર મોટી બજારમાં પણ પાણી ભરાયા હતા. આ ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કોટડા સાંગાણી તાલુકામાં પણ સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જોકે, વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. લોધીકા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો.