
મેક્સિકો, જળવાયુ પરિવર્તનને કારણે આખી દુનિયા વધી રહેલા તાપમાનનો સામનો કરી રહી છે. ગરમીનું કહેર અત્યારે સૌથી વધુ મેક્સિકો ઉપર જોવા મળી રહ્યો છે. અહીંના અમુક વિસ્તારોમાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી જતાં હાલત કફોડી થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બે સપ્તાહમાં જ ગરમીને કારણે અંદાજે ૧૦૦ લોકોના મોત નિપજ્યા છે.
મેક્સિકોમાં ભયંકર ગરમીને કારણે વીજળીની માંગ પણ રેકોર્ડસ્તરે પહોંચી ગઈ છે જેના કારણે અનેક જગ્યાએ વીજકાપ ઝીકાતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે બે તૃતિયાંશથી વધુ મોત ૧૮થી ૨૪ જૂન વચ્ચે થયા છે જ્યારે બાકીના મોત તેના પહેલાંના સપ્તાહમાં નોંધાયા છે. જો પાછલા વર્ષે ગરમીને કારણે થયેલા મોતની તુલના કરવામાં આવે તો આ સમયમાં માત્ર એક વ્યક્તિનો જીવ ગયો હતો.
મેક્સિકોમાં મહત્તમ મોત લૂને કારણે થયા છે તો અમુકના મોતનું કારણ ડિહાઈડ્રેશન પણ રહ્યું છે. ૬૪% મોત ટેક્સાસની સીમા સાથે જોડાયેલા ઉત્તરી રાજ્ય નુએવો લિયોનમાં થયા છે. બાકી બચેલા લોકો ખાડી તટ પર પાડોશી તમાઉલિપાસ અને વેરાક્રુઝના રહેવાસી હતા.
રાહતની વાત એ છે કે અહીંના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. ભીષણ ગરમી સહન કરી રહેલા લોકોને વરસાદને કારણે રાહત પહોંચી છે પરંતુ ઉત્તર દિશામાં આવેલા શહેરોમાં હજુ પણ તાપમાન એટલું જ હોવાને કારણે લોકો શેકાઈ રહ્યા છે.