અમેરિકામાં હિન્દી ભાષાનું શિક્ષણ શરૂ થઈ શકે છે:બાઈડનને પ્રસ્તાવ સોંપ્યો

ન્યુયોર્ક, અમેરિકાની શાળાઓમાં હિન્દી ભાષાના અભ્યાસ માટે માર્ગ ખુલવા લાગ્યો છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના સંગઠન એશિયા સોસાયટી (એએસ) અને ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટ (આઈએઆઈ) સાથે જોડાયેલા ૧૦૦ થી વધુ જનપ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિ બાઈડનને આ સંબંધમાં એક પ્રસ્તાવ સોંપ્યો છે. જેમાં ૮૧૬ કરોડ રૂપિયાના ફંડથી એક હજાર શાળાઓમાં હિન્દીનો અભ્યાસ શરૂ થશે.

ભારત પ્રત્યે બાઈડનના સકારાત્મક વલણ અને આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીને યાનમાં રાખીને આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. આવતા વર્ષે સપ્ટેમ્બરથી હિન્દી ભાષાનો અભ્યાસ શરૂ થઈ શકે છે. એએસ અને આઇએઆઇએ હિન્દી ભાષાનું શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષકોની ગોઠવણ અને અભ્યાસક્રમો શરૂ કરવામાં મદદની ખાતરી આપી છે.

પ્રાથમિક વર્ગોથી શરૂ થતા હિન્દીના શિક્ષણમાં અંગ્રેજી પછી બીજી ભાષા તરીકે હિન્દી પસંદ કરવાનો વિકલ્પ રહેશે. અમેરિકામાં રહેતા આશરે ૪૫ લાખ ભારતીય મૂળના લોકોમાંથી નવ લાખથી વધુ લોકો દ્વારા હિન્દી સૌથી વધુ બોલાતી ભારતીય ભાષા છે.

હાલમાં અમેરિકામાં હાઈસ્કૂલ કક્ષાએ હિન્દી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આમાં માત્ર હિન્દીનો મૂળભૂત અભ્યાસ જ શીખવવામાં આવે છે. ઈન્ડિયા ઈમ્પેક્ટના અધ્યક્ષ નીલ મખીજા કહે છે કે જ્યારે બાળકોને શરૂઆતના વર્ગોથી હિન્દી શીખવવામાં આવતું નથી, ત્યારે અચાનક હાઈસ્કૂલ સ્તરે હિન્દી ભાષાનો વિકલ્પ આવે છે, પરંતુ બાળકો આ ભાષા બિલકુલ સમજી શક્તા નથી. હવે બાળકોને પ્રાથમિક ધોરણથી હિન્દી શરૂ કરવાનો લાભ મળી શકશે.

યુ.એસ.ની મોટાભાગની શાળાઓમાં હાલમાં સ્પેનિશ બીજી ભાષા તરીકે શીખવવામાં આવે છે. નોર્થ કેરોલિનાના વ્હીપ જય ચૌધરી કહે છે કે ભૂતકાળમાં અમેરિકાએ સ્પેનિશ બોલતા દેશોમાં આર્થિક હિતો માટે સ્પેનિશ સમજી શકે તેવી પેઢી તૈયાર કરવી પડી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.

આ દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી આર્થિક શક્તિ બની જશે. આવી સ્થિતિમાં, અમેરિકાનું લક્ષ્ય હોવું જોઈએ કે આવી પેઢી હિન્દીનો અભ્યાસ કરીને શાળાઓમાંથી બહાર આવે, જે ભારતને સારી રીતે સમજતી હોય. સ્પેનિશ બોલતા દેશો હવે આર્થિક રીતે સફળ રહ્યા નથી. હિન્દી જાણતા અમેરિકન યુવાનો માટે આગામી વર્ષોમાં ભારતના ઉત્પાદન, કૃષિ અને આઈટી ક્ષેત્રે શક્યતાઓ વધશે.

યુ.એસ.માં ભારતીય પ્રભુત્વ ધરાવતાં રાજ્યો ન્યુજર્સી, ટેક્સાસ, ન્યુયોર્ક અને કેલિફોર્નિયામાં હિન્દી શીખવતી લગભગ ૧૦ શાળાઓ છે. ન્યુજર્સીમાં આવી જ એક શાળા ચલાવતા બિશેન અગ્રવાલ કહે છે કે ૫ થી ૧૬ વર્ષની વયના બાળકોને શનિવારે હિન્દી શીખવવામાં આવે છે.

અભ્યાસક્રમના ત્રણ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે – પ્રારંભિક, માધ્યમિક અને ઉચ્ચ સ્તર. ૨૦ વર્ષ પહેલા સુધી અમેરિકામાં હિન્દી ભણાવતી કોઈ શાળા નહોતી. હિન્દી શાળાઓમાં બાળકોના પ્રવેશમાં પણ વધારો થયો છે.