ગોધરાના 3 મહિનાના બાળક માટે અમેરીકાથી રૂ.૨૨ કરોડના ખર્ચે મંગાવુ પડશે ઇન્જેકશન : પરિવારે માંગી મદદ

  • અમેરિકામાં સારવાર પાછળ ૨૨.૫ કરોડનો ખર્ચ થાય છે.
  • મહારાષ્ટ્રની એક બાળકી પણ આવા રોગમાં સપડાઈ હતી.
  • સારવાર માટે મધ્યમવર્ગીય પરિવારને દાન માટે સમાજને અપીલ.

ગોધરા,
પરિવારમાં બાળકનો જન્મ અનહદ ખુશીની અનુભૂતિ આપતો માહોલ ઉભો કરે છે, અને માતાપિતા સહિતના સ્વજનો ખુશી ખુશી સ્વપ્ન જોતા થઈ જાય છે, પરંતુ ક્યારેક આવેલ ખુશી ઘેરા આઘાતમાં પરિવર્તિત થઈ જાય છે. કંઈક આવું જ બન્યું છે. ગોધરાના રાજદીપ રાઠોડને ત્યાં જન્મ લીધેલ ૩ માસના બાળકને એટલી ગંભીર બીમારી થઈ છે. જેનો ઈલાજ ભારતભરમાં શક્ય નથી પણ વિદેશી ધરતી પર આ ઈલાજ શક્ય છે પણ અધધ કહી શકાય એવા ૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

હાલમાં, ગોધરાના મધ્યમવર્ગીય પરિવાર દ્વારા આર્થિક મદદ માટે કરાયેલી અપીલને ચારેતરફથી આવકાર મળીને લોકો છુટા હાથે દાન કરીને તેના સ્વાસ્થ્યના ખર્ચા માટે દાતાઓ યથા યોગ્ય યોગદાન આપી રહ્યા છે. નામ છે ગોધરાના ધૈર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડની ઉંમર માત્ર ૩ માસ છે. આ બાળક પહેલી નજરે તંદુરસ્ત દેખાય છે પણ જન્મના દોઢ માસમાં દેખાયેલ પરિવર્તનને લઈ તેના માતા પિતાને ચિંતા થઈ. આ બાળકને કઈક અજુગતી બીમારીની શંકા જતા તેને અમદાવાદના તજજ્ઞ તબીબ પાસે બતાવતા ટેસ્ટ કરાવ્યા બાદ ધૈર્યરાજને એસ એમ એ -૧ (સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી -૧) નામની બીમારી હોવાનું બહાર અવતા તેઓના પગ તળેથી જમીન જાણે સરકી ગઈ ખાસ આ બીમારીનો ઈલાજ ભારતમાં શક્ય નથી એવું જાણીને જાણે આભ તૂટી પડ્યું. એસએમએ-૧ નામની બીમારી જેમાં બાળકના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ મૃત્યુ પણ થઈ જતું હોય છે. આ સ્થિતિમાં મધ્યમ વર્ગના એવા રાજદીપસિંહ એે ઈલાજ કરાવવાનો વિચાર કર્યો પરંતુ ભારતમાં કોઈ ઈલાજ શક્ય ન હોવાનું જાણી અને મહારાષ્ટ્રમાં એક બાળકીને અમેરિકા ખાતેથી ઈલાજ કરાવી સ્વસ્થ થયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું પણ એનો ખર્ચ ૨૨.૫ કરોડ થાય છે અને એ માટે મહારાષ્ટ્રના એ પરિવારે દેશના લોકો અને સરકાર પાસે મદદ માંગી તો જોતજોતામાં જરૂરી નાણાં ભેગા થઈ ગયા અને વધુમાં સરકાર દ્વારા ૬.૫ કરોડ જેટલો આ દવા પરનો ટેક્સ પણ માફ કરી દેવાયો જેથી બાળકીનો ઈલાજ શક્ય બન્યો. બસ આ વાતને લઈ રાજદીપ સિંહને પણ આશાનું કિરણ દેખાયું અને એમેણે પણ એનજીઓનો સંપર્ક કરી ધૈર્ય માટે ફંડ એકત્રિત કરવાનું શ‚ કર્યું હાલ સારા પ્રમાણમાં ફંડ જમા પણ થઈ રહ્યું છે પણ ધૈર્યના કેસમાં ડોકટરોએ સૂચવ્યું છે કે ધૈર્ય એક વર્ષ નો થાય ત્યાંસુધી તેની પાસે જીવન છે નહીં તો એનું મૃત્યુ થઈ શકે એમ છે. એ પહેલા એની સારવાર થઈ જવી જોઈએ ત્યારે આવા સંજોગોમાં જો દેશવાસીઓ ધૈર્યને નાણાકીય મદદ કરે તો ધૈર્યની જિંદગી બચી શકે એમ છે.

ઝડપથી ફંડ એકત્રિત થાય તે જરૂરી : રાજદીપસિંહ રાઠોડ, બાળકના પિતા હાલ તો ધૈર્યને ફિઝીઓથેરાપી આપવામાં આવે છે. આટલી ગંભીર બીમારીથી ઘરમાં એક પ્રકારનો ભેંકાર ઉભો કરી દીધો છે ત્યારે હાલ તો આખા પરિવારને દેશ અને સરકાર પાસે આશા છે કે ધૈર્યને બચાવવા જેટલું ફંડ એકત્રિત થઈ જાય અને ઝડપી અમેરિકાની દવા ધૈર્ય ને આપાય અને ઝડપથી ધૈર્ય સાજો નરવો થઈ જાય નવજીવન આપવાના યજ્ઞમાં પુણ્ય કમાઈએ : ડો.અરવિંદ મનાસ ફીઝીયોથેરાપીસ્ટ આપણે પણ અપીલ કરીએ કે દેશભરના લોકો ધૈર્યના નવજીવન આપવાના યજ્ઞમાં પોતાની રોકડ આહુતિ આપીને પુણ્ય કમાય અને ધૈર્ય એક વર્ષ બાદ પણ આપણને હસતો રમતો જોવા મળે.