ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી અવારનવાર ડ્રગનો મોટો જથ્થો ઝડપાય છે. બીજી બાજુ નેશનલ સર્વે ૨૦૧૮ મુજબ ગુજરાતમાં ૧૭.૩૫ લાખ પુરુષ અને ૧.૮૫ લાખ મહિલા ડ્રગ એડિક્ટ છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ આ સમયગાળામાં ૯૮૬ લીટર નશાકારક પ્રવાહી અને ૬૪,૫૬૧ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ૭૨,૯૭૮ ડ્રગ પિલ્સ અને ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બાંકરે જણાવ્યું હતું કે, ટેકનોલોજી તેમજ સરકારી એજન્સીઓ જેવી કે રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ, બોર્ડર પોસ્ટ્સ, પેટ્રોલિંગ, રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા હોવા છતાં, કરોડો રૂપિયાની કિંમતની હજારો કિલો ડ્રગ્સની હવાઇમાર્ગે તેમજ દરિયાઈ માર્ગો, અને બંદરોથી દાણચોરી કરવામાં આવે છે.
આ વર્ષે ૨૧ જૂને અમદાવાદ એરપોર્ટ પર બ્રાઝિલના એક વ્યક્તિ પાસેથી ૩.૨૨ કિલો ડિઝાઇનર ડ્રગ ’બ્લેક કોકેઇન’જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત ૩૨ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ આફ્રિકાથી મુસાફરી કરી રહેલા બે મુસાફરોના પેટમાં છુપાવાયેલા કોકેઇનની ૧૬૫ કેપ્સ્યુલ્સ મળી આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ ૧૨ કરોડ રૂપિયાનો બ્રાઉન કોકેઇન પાવડર હતો. રોગચાળાના વર્ષ દરમિયાન, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ’ક્રાઇમ ઇન ઇન્ડિયા ૨૦૨૦ રિપોર્ટ’ અનુસાર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ૩૦૮ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૧૦ થી વધુ નશો કરનારા લોકોના હતા.
આ સંખ્યા સતત વધી રહી છે. વર્ષ ૨૦૧૯માં એનડીપીએસ એક્ટ હેઠળ ૨૮૯ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી ૧૧૨ અંગત વપરાશના હતા. જ્યારે ૨૦૧૮માં ૧૫૦ કેસ કરાયા હતા, જેમાંથી ૬૦ વ્યક્તિગત ઉપયોગ માટે હતા. લોક્સભાના ૧૪ માર્ચ, ૨૦૨૩ ના આંકડા અનુસાર, ડ્રગ્સના વ્યક્તિગત કબજા બદલ એનડીપીએસના ૨૦૦ કેસ નોંધાયા હતા.૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ સરકારે લોક્સભામાં એનડીપીએસ એક્ટના આંકડા જાહેર કર્યા હતા. તેમાં જણાવાયું છે કે ૨૦૧૯ માં એનડીપીએસ એક્ટ હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ત્રણ બાળકો, ૨૦૨૦માં એક બાળક અને ૨૦૨૧માં બે બાળકોને પકડવામાં આવ્યા હતા.
એનડીપીએસ એક્ટ હેઠળ ૨૦૧૯માં ૩૭ મહિલાઓને પકડવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં ૧૯ મહિલાઓને પકડવામાં આવી હતી અને ૨૦૨૧માં ૨૮ મહિલાઓ પકડાઈ હતી. આમ, ત્રણ વર્ષમાં ૧૮ વર્ષથી ઓછી વયના છ બાળકો અને ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૮૪ મહિલાઓની ડ્રગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.