કાનપુરના વેપારીઓને ત્યાં આઇટીના દરોડા, ૪ ટેબલ ઉપર નોટોનો ઢગલો

  • ૩૦૦ અધિકારીએ ૯૫ કલાક સુધી તપાસ કરી, ૭૦ કિલો સોનું અને ચાંદી સાથે ૨૫ કરોડની રોકડ મળી.

કાનપુર, કાનપુરમાં બુલિયન, જ્વેલરી અને રિયલ એસ્ટેટના વેપારીઓની સંસ્થાઓમાં ચાર દિવસ સુધી ચાલેલા આવકવેરા વિભાગના દરોડા મંગળવારે સમાપ્ત થયા. ૯૫ કલાકના દરોડામાં ૩૦૦ અધિકારીએ ૬૦૦ કરોડના નકલી વ્યવહારો ઝડપ્યા. જ્વેલર્સના પરિસરમાં દરોડા દરમિયાન ૨૫ કરોડ રૂપિયાની રોકડ અને લગભગ ૭૦ કિલો સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવી છે. એની તસવીરો પણ સામે આવી છે.

હકીક્તમાં સોમવારે સવાર સુધી અધિકારીઓએ ૧૬ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તેમને બિરહાના રોડ પર એક બંધ દુકાનમાં મોટી રકમની રોકડ હોવાની માહિતી મળી હતી. સોમવારે સાંજે ટીમ ત્યાં પહોંચી, શટર ખોલીને તપાસ કરવામાં આવી તો કપડાની થેલીમાં ૯ કરોડ રોકડા મળ્યા હતા. એ જ રીતે ટીમે મંગળવારે સવાર સુધીમાં લગભગ ૨૫ કરોડની રોકડ જપ્ત કરી છે. અધિકારીનો દાવો છે કે યુપીમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા સૌથી મોટી કાર્યવાહી થાય છે.સોમવારે સાંજે બિરહાના રોડની દુકાનમાંથી ૯ કરોડની રોકડ મળી હતી. આ રકમ કાપડની થેલીઓમાં રાખવામાં આવી હતી.

આઈટી સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમે ૫૦થી વધુ બેનામી પ્રોપર્ટીના દસ્તાવેજો જપ્ત કર્યા છે તેમજ ૧૦૦ કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી છે. ધંધાર્થીઓના વ્હાઇટ કોલર એસોસિયેટ્સને પણ ખબર પડી છે. એ પૈકીના કેટલાક ધંધાર્થીઓને બોલાવીને પૂછપરછ પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાનપુરમાં કુલ ૧૭ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે આઈટી ટીમોએ દેશમાં ૫૫થી વધુ સંસ્થાઓ પર કાર્યવાહી કરી છે.

કાનપુરમાં કૈલાસ નાથ અગ્રવાલની રાધા મોહન પુરુષોત્તમ દાસ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ અને અમરનાથ અગ્રવાલની રાધા મોહન પુરુષોત્તમ દાસ જ્વેલર્સનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૧૭૦૦ કરોડ છે. આવકવેરા અધિકારીઓ આ વ્યવહારમાં કરચોરીની તપાસ કરી રહ્યા હતા. એના તાર એમરાલ્ડના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલા, ચાંદીના વેપારી મુન્ના જાખોડિયા અને સૌરભ વાજપેયી સાથે જોડાયેલા હતા, તેથી જ આવકવેરા વિભાગે એક્સાથે તમામ સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા.

આવકવેરા અધિકારીઓને કરચોરીની લિંક મળી. આ દરોડામાં લગભગ ૧૦૦ કરોડની કરચોરી ઝડપાઈ છે. એવા દસ્તાવેજો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે બિઝનેસમેન બેનામી પ્રોપર્ટીમાં કાળાં નાણાં ખર્ચી રહ્યા હતા. વેપારીઓએ રિયલ એસ્ટેટ ડીલર મારફત મોટી સંખ્યામાં ફ્લેટ ખરીદ્યા હતા.

આવકવેરા અધિકારીઓને રિયલ એસ્ટેટમાં નાણાં રોકવાની માહિતી મળી હતી. કોલકાતા અને દિલ્હીના ઉદ્યોગપતિઓ દ્વારા કાનપુરમાં આ ભંડોળનું રોકાણ કરવામાં આવ્યું હતું, આથી આવકવેરા વિભાગે લખનઉ, દિલ્હી અને કોલકાતામાં પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટમાં રૂ.૫૦૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગની ટીમ પણ આ મિલક્તોની તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાળાં નાણાંને છુપાવવા માટે વેપારીઓએ નકલી કંપની પણ બનાવી છે, જેમાં નોકરો અને ડ્રાઇવરો વેપારીઓનાં સગાં-સંબંધીઓ ડાયરેક્ટર છે. તેમના દ્વારા કારોબારીઓએ ૬૦૦ કરોડના બોગસ વ્યવહારો કર્યાં હતા, જેનો હિસાબ ધંધાર્થીઓ આપી શક્યા નથી. ફાર્મ ૬૦ના અધિકારીઓ દ્વારા આ રમત પકડી લેવામાં આવી હતી.આવકવેરા વિભાગના અધિકારીઓએ પાંચમા દિવસે દરોડાની કાર્યવાહી પૂર્ણ કરી છે. એટલા માટે અધિકારીઓએ મશીનોમાંથી નોટો ગણ્યા બાદ એને પેક કરી દીધી. આ સાથે સોનાનાં બિસ્કિટ અને જ્વેલરીનું પણ સંપૂર્ણ મૂલ્યાંકન કરીને પેક કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત લેપટોપની હાર્ડ ડિસ્ક, બનાવટી બિલ, પ્રોપર્ટી અને બોગસ કંપનીના દસ્તાવેજો એક જગ્યાએથી એકત્ર કરવામાં આવ્યાં છે. BMW કારમાંથી ૧૨ કિલો સોનું જપ્ત કરાયું છે. એ જ સમયે આ અભિયાનમાં આવકવેરા વિભાગ દ્વારા લગભગ ૭૦ કિલો સોનું અને ચાંદી પણ જપ્ત કરવામાં આવી છે.શરૂઆતમાં આવકવેરાના દરોડામાં ૨૫૦ અધિકારી સામેલ હતા, પરંતુ તપાસનો વ્યાપ વિસ્તરતાં વધુ ૫૦ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. આ અધિકારીઓએ પાંચ દિવસમાં લગભગ ૯૫ કલાક કામ કર્યું છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તહેનાત કરવામાં આવી હતી.