ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી, રસ્તાઓ થયા બંધ, જનજીવન ખોરવાયું

નવીદિલ્હી, ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા બાદ ૨૫ જૂનથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. પરંતુ ઠેર-ઠેર અનેક સ્થાનો પર પાણી ભરાતા માર્ગો બંધ થતા સામાન્ય જનજીવન ખોરવાયું. ભારતના ઉત્તરીયભાગોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બનવા પામી છે.

હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ જેવા પહાહી વિસ્તારોમાં ફરવા ગયેલ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના પગલે નદીઓનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ બનવા પામી છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં પણ વરસાદના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભારતના ઉત્તરભાગની વાત કરીએ તો ૨૪ જૂનના રોજ હિમાચલ પ્રદેશમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના બાદ સતત રાજ્યમાં વરસાદ જોવા મળ્યો. સતત વરસતા વરસાદના કારણે અનેક સ્થાનો પર ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની. આ ઘટનાને પગલે રાજ્યના અંદાજે ૩૦૧ રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં સતત ચાલી રહેલ ભારે વરસાદના કારણે એક યુવક ગુમ થયો જ્યારે અન્ય ૧૦ વ્યક્તિઓ ઘાયલ થઈ અને ૧ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. ભારે વરસાદના કારણે બે રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ કરવામાં આવ્યા છે.

ઉત્તરીયભાગોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન જેવી ઘટનાને પગલે કીરતપુર થી મનાલી ફોર-લેન હાઈવે બ્લોક થઈ ગયો હતો. અંદાજે ૧૫ કી.મી. લાંબો રસ્તો જામ થઈ જતા ઓછામાં ઓછા ૫,૦૦૦ વાહન ફસાયા હતા. જો કે સાંજ સુધીમાં સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવાતા હાઈવેને એક તરફથી ખોલી દેવામાં આવ્યો. ઉત્તરીયભાગોમાં વરસાદના કારણે સ્થિતિ મુશ્કેલ બનતા હિમાચલ પ્રદેશના હવામાન વિભાગે એક એડવાઈઝરી જારી કરી. જેમાં લોકોને નદી અને પહાડી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી.

હિમાચલ પ્રદેશના હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા ૪૮ કલાકમાં થયેલ વરસાદે અનેક વિસ્તારોને પ્રભાવિત કર્યા છે. હજુ પણ વરસાદ ચાલુ છે. અને આગામી સમયમાં ૪-૫ દિવસ આ પ્રકારની જ સ્થિતિ જોવા મળશે. વિપરિત મોસમને પગલે હવામાન વિભાગે આજ અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું. બદલાતા હવામાન અને વરસાદને પગલે ઉત્તરાખંડમાં ૩૦ જૂન સુધી રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે બદરીનાથ હાઈવેને અસર થઈ છે. ઝ્રસ્ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે ખરાબ મોસમના કારણે કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે.

મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ જોવા મળ્યો. જેને પગલે અનેક સ્થાનો પર પાણી ભરાઈ ગયા છે. ૨૪ કલાકથી ચાલી રહેલ વરસાદના કારણે મુંબઈ પાણીમાં તરબોળ જોવા મળ્યું. બીએમસીના જણાવ્યા મુજબ મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે. પૂર્વ ઉપનગરોમાં ૫૪ મીમી અને પશ્ર્ચિમ ઉપનગરોમાં ૫૯ મીમી વરસાદ નોંધાયો. મુંબઈમાં ચાલી રહેલ ભારે વરસાદના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી ૪૮ કલાકમાં મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ ૪૮ કલાકમાં મધ્યપ્રદેશ સહિત ૨૫ રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઝારખંડ, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, કોંકણ-ગોવા, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે.