બધી મસ્જિદોની જગ્યાએ મંદિર બનાવાશે : કર્ણાટક ભાજપ નેતા ઈશ્ર્વરપ્પા

ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટક સરકારમાં પૂર્વ મંત્રી કેએસ ઈશ્ર્વરપ્પાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મસ્જિદો તોડીને મંદિર બનાવવામાં આવશે. જ્યાં જ્યાં મુઘલોએ મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે, તે તમામ જગ્યાઓ પર મસ્જિદો તોડીને મંદિરો બનાવવામાં આવશે. અગાઉ એપ્રિલ મહિનામાં ઈશ્ર્વરપ્પાએ કહ્યું હતું કે અજાન માથાનો દુખાવો છે. એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, જ્યારે ભાષણની વચ્ચે અજાન થવાનું શરૂ થયું ત્યારે તેમણે કહ્યું હતું કે આ અજાન માથાનો દુખાવો છે. તે સમયે પણ તે ચર્ચામાં આવ્યા હતા.

હાવેરીમાં પાર્ટી કાર્યર્ક્તાઓને સંબોધતા પૂર્વ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હિંદુ ધર્મને નફરત કરે છે અને જો મુસ્લિમ ન હોત તો કોંગ્રેસ પાર્ટી મરી ગઈ હોત. કોંગ્રેસ માટે મુસ્લિમો તેમનો પરિવાર છે, કર્ણાટકમાં કોંગ્રેસ મુસ્લિમોના કારણે જ અસ્તિત્વ ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં ઈશ્ર્વરપ્પાએ ચૂંટણીની રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇચ્છે છે કે તેમનો પુત્ર તેમના સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડે, તો તેમણે કહ્યું, હું હાઇકમાન્ડ પાસે મારા પુત્ર માટે ટિકિટ નહિ માંગુ. પાર્ટી હાવેરીમાંથી જેને પણ ટિકિટ આપશે હું તેની સાથે રહીશ. આ પહેલા ઈશ્ર્વરપ્પાએ કહ્યું હતું કે પાર્ટીમાં અનુશાસનનો અભાવ છે, જેના માટે પાર્ટી અધ્યક્ષે જરૂરી પગલાં લેવા જોઈએ. વાસ્તવમાં ભાજપના કેટલાક નેતાઓએ ચૂંટણીમાં હાર માટે પાર્ટીના એડજસ્ટમેન્ટની રાજનીતિને જવાબદાર ગણાવી છે. જે બાદ પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો.આ દરમિયાન ઇશ્ર્વરપ્પાએ કહ્યું કે આ મતભેદ માટે કોંગ્રેસનો પ્રભાવ જવાબદાર છે. ભાજપ હાઈકમાન્ડ મજબૂત છે, યોગ્ય સમય આવશે ત્યારે પગલાં લેવામાં આવશે. પરંતુ ભાજપમાં જે રીતે આ પ્રકારની ચર્ચા ખુલ્લેઆમ થઈ રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આવી વસ્તુઓ બંધ બારણે થવી જોઈએ.