ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં શીખ સમુદાય પર થયેલા તાજેતરના હુમલા બાદ, ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા છે. શનિવાર, ૨૪ જૂનના રોજ, પાકિસ્તાનના પેશાવરમાં બંદૂકધારીઓએ મનમોહન સિંહ (૩૫) નામના શીખ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી.
કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતે આ ઘટનાની જવાબદારી લીધી છે. છેલ્લા ૪૮ કલાકમાં પેશાવરમાં શીખ વ્યક્તિ પર હુમલાની આ બીજી ઘટના છે. ભારતે આ ઘટનાઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે કહ્યું છે કે પાકિસ્તાની સત્તાવાળાઓએ શીખ સમુદાય પરના આ હિંસક હુમલાઓની ઈમાનદારીથી તપાસ કરવી જોઈએ અને તપાસ રિપોર્ટ શેર કરવી જોઈએ. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાને તેના લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવી જોઈએ, જેઓ ધાર્મિક અત્યાચારના સતત ભયમાં જીવે છે.
મનમોહન સિંઘ પેશાવરના ઉપનગર રશીદ ગઢીથી શહેરના વિસ્તાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કક્ષાલના ગુલદરા ચોક પાસે કેટલાક સશસ્ત્ર માણસોએ તેમના પર હુમલો કર્યો. એપ્રિલથી જૂન ૨૦૨૩ વચ્ચે પાકિસ્તાનમાં શીખો વિરુદ્ધ ચાર ઘટનાઓ બની છે. ભારતે આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે.
મનમોહન સિંહની હત્યાના મામલામાં પેશાવર પોલીસે જણાવ્યું છે કે કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. મનમોહન સિંહ વ્યવસાયે ‘હકીમ’ (યુનાની દવાના પ્રેક્ટિશનર) હતા. પોલીસે જણાવ્યું કે તેઓ હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડની નજીક પહોંચી ગયા છે.
આ પહેલા શુક્રવારના રોજ પેશાવરના રશીદ ગઢી વિસ્તારમાં આ જ પેટર્ન સાથે શીખ દુકાનદાર તરલોક સિંહ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. એ જ રીતે હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા અને દુકાનમાં બેઠેલા તરલોક સિંહ પર ગોળીબાર કર્યો હતો. તરલોક સિંહને પગમાં ગોળી વાગી હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે.