શેરબજારમાં ૧૫૦૦ કરોડની ઠગાઈ સામે આવી, માસ્ટરમાઈન્ડ દુબઈ ફરાર થયો

મુંબઇ, શેરબજારમાં જેમ જેમ સામાન્ય લોકોનો રોકાણ તરફ રસ વધી રહ્યો છે, તેની સાથે જ માર્કેટમાં છેતરપિંડીના નવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તાજેતરમાં આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. સેબીને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ભેજાબાજોનું એક ગ્રુપ સામાન્ય રોકાણકારોને બલ્ક મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા શેરો ખરીદવા ટીપ્સ આપી અને શેરની કિંમત-વોલ્યુમ સાથે ચેડા કરીને પૈસા કમાણી કરતા હતા.આ મામલાની તપાસમાં રૂપિયા ૧૫૦૦ કરોડના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હનીફ શેખ હોવાનું સામે આવ્યું છે. માર્કેટ અને શેરોમાં હેરાફેરીના મામલે સેબી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. છેલ્લા ૪ વર્ષમાં, સૌથી મોટા ‘પમ્પ-એન્ડ-ડમ્પ’ શેરબજારનું સંચાલન કરતા નિયમનકાર સેબીના રડાર પર હતા. હવે લેટેસ્ટ અપડેટ એ છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હનીફ શેખ ભારતમાંથી ફરાર છે અને દુબઈમાં વૈભવી જીવન જીવી રહ્યો છે.

સેબીએ ૧૩૫ કંપનીઓને સિક્યોરિટી માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને સામાન્ય રોકાણકારોને પણ આવી છેતરપિંડીથી સાવધ રહેવા જણાવ્યું છે. આ સાથે સેબીએ આ સંસ્થાઓ પાસેથી ખોટી રીતે કમાયેલા ૧૨૬ કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ સમગ્ર રેકેટ પાછળ હનીફ શેખ નામનો એક વ્યક્તિ હતો જેને સેબીએ પોતાના તપાસ રિપોર્ટમાં આ ગેંગનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે.

છેતરપિંડી કરનારાઓની આ ગેંગ ૩ ભાગમાં કામ કરતી હતી. પીવી ઇન્લુએન્સર્સ , એસએમએસ મોકલનારા અને ઑફલોડર્સ એટલે કે જેઓ છેલ્લામાં શેર વેચીને નફો કમાય છે. આ ટોળકી ૫ સ્મોલકેપ શેરોની હેરાફેરી કરીને સામાન્ય રોકાણકારોને છેતરતી હતી.

સૌપ્રથમ ભાવ-વોલ્યુમ ઇન્લુએન્સર્સ શેરોમાં નકલી ટ્રેડિંગ દ્વારા ભાવ અને વોલ્યુમમાં વધારો કરતા હતા. તે પછી, આ ટોળકીનો બીજો ભાગ એટલે કે બલ્ક મેસેજ મોકલનારા સામાન્ય રોકાણકારોને મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા આ શેર ખરીદવાની સલાહ આપતા હતા.જ્યારે સામાન્ય રોકાણકારોની ખરીદી પછી શેરના ભાવમાં વધારો થતો હતો ત્યારે આ ગેંગનો ત્રીજો ભાગ એટલે કે ઓફ-લોડર્સ પહેલાથી જ જમા થયેલા શેરને આ વધેલા ભાવે વેચીને કમાણી કરી લેતા હતા.

લોકોનું ધ્યાન ખેંચવા માટે, શેખે મિસ દિવા યુનિવર્સ ૨૦૧૫ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને મોડલ સના શેખ સાથે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. સોશિયલ હેન્ડલની પ્રોફાઇલમાં શેખે પોતાને એક બ્રોકિંગ ફર્મનો હેડ ગણાવ્યો છે.