વર્લ્ડ કપ ૨૦૨૩નું શેડ્યુલ જાહેર: ભારત-પાક વચ્ચે ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે

  • ટૂર્નામેન્ટની મેચો ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે,૪૬ દિવસની ટૂર્નામેન્ટમાં કુલ ૪૮ મેચો.

મુંબઇ, આઇસીસીએ વનડે વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે ટૂર્નામેન્ટની મેચો ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સામનો અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. જ્યારે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ૪૬ દિવસની ટૂર્નામેન્ટમાં કુલ ૪૮ મેચો રમાશે. કુલ ૧૦ ટીમો ભાગ લેશે. આ માટે ૮ ટીમોએ ક્વોલિફાય કરી લીધું છે. ૨ ટીમો અંગેનો નિર્ણય ક્વોલિફાયરથી થશે. વર્લ્ડ કપ ૨૦૨૩ના શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ રોમાંચક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

વનડે વર્લ્ડ કપની વાત કરીએ તો, મેચો ૧૦ સ્થળો પર રમાશે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પ્રથમ સેમી ફાઈનલ ૧૫ નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, બીજી સેમીફાઈનલ ૧૬ નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

આઇસીસી દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ટીમ ઈન્ડિયા તેની ૯ મેચ ૯ અલગ-અલગ સ્થળો પર રમશે. ટીમની પ્રથમ મેચ ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમ ફરી ૧૧ ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે અને ૧૫ ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારતની અન્ય મેચોની વાત કરીએ તો, તેઓ ૧૯ ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ, ૨૨ ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ, ૨૯ ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ, ૨ નવેમ્બરે મુંબઈમાં ક્વોલિફાયર ટીમ સામે, ૫ નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. ૧૧ નવેમ્બરના રોજ બેંગલુરુમાં બીજી ક્વોલિફાયર ટીમ વિરુદ્ધ ઉતરશે.

પ્રથમ વખત સમગ્ર વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાઈ રહ્યો છે. અગાઉ ૧૯૮૭માં ભારત-પાકિસ્તાન, ૧૯૯૬માં ભારત-પાકિસ્તાન-શ્રીલંકા અને ૨૦૧૧માં ભારત-શ્રીલંકા-બાંગ્લાદેશે સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારતે ૧૯૮૩માં કપિલ દેવની આગેવાની હેઠળ અને ૨૦૧૧માં એમએસ ધોનીની કપ્તાનીમાં બે વખત વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. ૨ ચેમ્પિયન ટીમો શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાયરમાં ઉતરી રહી છે. આ ટૂર્નામેન્ટની ૧૩મી સિઝન છે. અત્યાર સુધીમાં ૬ ટીમોએ ઓછામાં ઓછા એક વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ૫ વખત વનડે વર્લ્ડ કપ જીત્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝે ૨-૨ વખત ટાઈટલ જીત્યું છે. જ્યારે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાએ એક-એક વખત ટાઈટલ જીત્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ ૨ વખત રનર્સઅપ રહી છે. કીવી ટીમ ૨૦૧૫ અને ૨૦૧૯ બંને વર્લ્ડ કપની ફાઇનલમાં હાર મળી હતી.

વનડે વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ૬૯ મેચ જીતી છે. ન્યુઝીલેન્ડની ટીમ ૫૪ જીત સાથે બીજા અને ટીમ ઈન્ડિયા ૫૩ જીત સાથે ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બીજા નંબર પર પહોંચી શકે છે.વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી અન્ય કોઈ ટીમ ૫૦ મેચ જીતી શકી નથી.ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે વનડે વર્લ્ડ કપમાં ૪૮, પાકિસ્તાન ૪૫, વેસ્ટ ઈન્ડિઝ ૪૩, દક્ષિણ આફ્રિકા ૩૮, શ્રીલંકા ૩૮ અને બાંગ્લાદેશ ૧૪ મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે. પરંતુ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ કારણથી તેને સીધી જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરાઇ છે.