- સુરતમાં ભારે વરસાદ થતા રસ્તા પર ભરાયા પાણી
- શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ
- ચોક બજાર વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન
- કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર ભરાયાં પાણી
- સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા સર્જાયો ટ્રાફિક
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સુન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેરમાં અને જિલ્લામાં પણ ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. સુરતમાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી પોકાળ સાબિત થઈ છે.
રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં
હવામાન વિભાગે વરસાદને લઈને આજે સુરતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં આજ સવારથી અડાજણ પાટિયા, ઈચ્છાપોર, ડિંડોલી, વરાછા, કાપોદરા, રિંગ રોડ સબજેલ વિસ્તાર, પર્વત પાટિયા, જહાંગીરપુરા, રાંદેર, અઠવાલાઈન્સ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. સુરતના ડિંડોલીમાં રસ્તાઓ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ
શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. રસ્તાઓ જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે.
વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર
સુરતના કીમ ચાર રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા છે. અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા બેરીકેટ મુકાયા છે. કીમ માંડવી સ્ટેટ હાઇવે નદીમાં ફેરવાયો છે.