ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટનો પહેલો દિવસ ટીમ ઈન્ડિયાનાં બોલરોનાં નામે રહ્યો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની કમાલ જોડીએ અંગ્રેજ બેટ્સમેનોને એકવાર ફરીથી ઘૂંટણીએ કરી દીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દિવસે 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષરે ચાર વિકેટ અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતે એક વિકેટ ગુમાવીને 24 રન બનાવ્યા હતા.
- અક્ષરે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ચાર વિકેટો ખેરવી
- ઈંગ્લેન્ડનાં પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યાં
- કોહલી અને ઈંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વચ્ચે થોડી તુતુ મેમે થઈ
મોહમ્મદ સિરાજને ટીમમાં સમાવાયો
ચોથી અને મહત્ત્વની ટેસ્ટમાં ભારતની ટીમમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સમાવાયો છે. સિરાજે પહેલી ઈનિંગમાં સારી બોલિંગનું પ્રદર્શન કર્યું અને જોની બેરસ્ટો અને ઈંગ્લિશ કેપ્ટન જો રુટની વિકેટ ખેરવી હતી. ઈંગ્લેન્ડનાં પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યાં છે જેમાં જોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડની જગ્યાએ ડેનિયલ લોરેન્સ અને ડોમ બેસને સમાવવામાં આવ્યા છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ફક્ત એક જ ફાસ્ટ બોલરને રમાડ્યો છે.
બેટ્સમેનોને ઘૂંટણીએ કરી દીધા
અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોને ઘૂંટણીએ કરી દીધા હતા. અક્ષરે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ચાર વિકેટો ખેરવી હતી. અક્ષર પટેલ છેલ્લી ચાર ઈનિંગમાં 20 વિકેટ ખેરવી ચૂક્યો છે. અક્ષરે ઈંગ્લેન્ડનાં બંને ઓપનિંગ બેટ્સમેનને સસ્તામાં આઉટ કર્યાં હતા.
અંગ્રેજોની બે વિકેટ ખેરવી
અંગત કારણોને લીધે ચોથી ટેસ્ટમાંથી ખસી ગયેલ બુમરાહની જગ્યાએ આવેલ મોહમ્મદ સિરાજે પણ પોતાનો જલવો બતાવ્યો હતો. તેણે અંગ્રેજોની બે વિકેટ ખેરવી દીધી હતી. જેમાં કેપ્ટન જો રુટ અને જોની બેરસ્ટોની વિકેટનો સમાવેશ થાય છે.
થોડી બોલાચાલી પણ થઈ
ચોથી ટેસ્ટ દરમિયાન કેપ્ટન કોહલી અને ઈંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વચ્ચે થોડી તુતુ મેમે થઈ હતી. બંને વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હતી. જે બોલાચાલીને રોકવા માટે એમ્પાયરોએ વચ્ચે પડવુ પડ્યું હતું. સિરાજની બાઉન્સર બોલ બાદ સ્ટોક્સે તેને કંઈક કહ્યું અને ત્યારબાદ બંનેએ એકબીજા સામે ખુન્નસથી જોય હતું. ત્યારે વાત આગળ વધતી જોતા વિરાટ કોહલીએ વચ્ચે પડીને સ્ટોક્સને કંઈક કહ્યું અને બંને મેદાન વચ્ચે બાખડ્યા હતા.