યુવતીએ આરોપીના પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવી દેતા યુવકે વિદ્યાર્થીની પર ધારિયું લઈ હુમલો કર્યો.

  • પૂણેમાં યુવકે 19 વર્ષીય વિદ્યાર્થીની પર ધારિયું લઈ હુમલો કર્યો 
  • જાહેરમાં ધારિયું લઈને એકતરફી આશિક દોડ્યો અને કર્યો હુમલો 
  • રસ્તે ચાલતા લોકોએ બૂમાબૂમ કરી યુવતીનો બચાવ્યો જીવ 

મહારાષ્ટ્રના પૂણેથી તાજેતરમાં સામે આવેલી ઘટનામાં સ્થાનિકોએ જે હિંમત બતાવી તે ખરેખર સરાહનીય છે. જો તમામ લોકો આવી હિંમત દરેક શહેરમાં બતાવે તો સરાજાહેર થતી દીકરીઓની હત્યાઓ બંધ થઈ જાય. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના પૂણેમાં એક યુવકે 19 વર્ષીય વિદ્યાર્થીની પર ધારિયું લઈને હુમલો કર્યો હતો. આ અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જોકે ત્યાં હાજર લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આરોપી યુવક પીડિત યુવતીની કોલેજમાં અભ્યાસ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતાએ આરોપીના પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવકે તેના પર હુમલો કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના 
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ સદાશિવ પેઠના પેરુગેટ વિસ્તારમાં બની હતી. વિગતો મુજબ આરોપી અને પીડિત યુવતી બંને કોલેજમાં ભણતા હતા અને યુવતીએ તાજેતરમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન I) સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે, આજે સવારે યુવક યુવતીનો સંપર્ક કર્યો જ્યારે તે અન્ય મિત્ર સાથે ટુ-વ્હીલર પર સવાર થઈ રહી હતી. યુવકે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ તેની સાથે વાત કરવાની ના પાડી. જેનાથી નારાજ થઈને આરોપીએ તિક્ષ્ણ હથિયાર કાઢીને યુવતી પર હુમલો કર્યો હતો. 

સમગ્ર ઘટના CCTVમાં કેદ 
આરોપી હથિયાર સાથે યુવતીની પાછળ દોડી રહ્યો હોવાની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર બેઠી છે જ્યારે આરોપી તેની સાથે વાત કરી રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે, ટુ-વ્હીલર ચલાવતો યુવક આરોપીનો વિરોધ કરવા વાહનમાંથી નીચે ઉતરે છે પરંતુ આરોપી બેગમાંથી તિક્ષ્ણ હથિયાર કાઢી લે છે અને તેનો પીછો કરતા પહેલા યુવતીના મિત્ર પર હુમલો કરે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307 સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.