દે.બારીઆ સ્પોર્ટ્સ સંકુલમાં 31 બાળકોને ચકકર અને ઝાડા-ઉલ્ટીની અસર થતાં સારવાર હેઠળ ખસેડાયા

દે.બારીઆ, દે.બારીઆ નગરના સ્પોર્ટ્સ સંકુલમાં આવેલી ડી.એલ.એલ.એસ.હોસ્ટેલમાં રહેતા 31 બાળકોને રાતના સમયે એકાએક ચકકર, ઉલ્ટી અને ઝાડાની સમસ્યા થતાં દોડધામ મચી જવા પામી હતી. કેટલાકં બાળકોને રાતોરાત તો કેટલાક બાળકોને સવારે દવાખાને ખસેડીને સારવાર આપવામાં આવી હતી. જોકે સદ્ભાગ્યે તમામક બાળકોની તબિયત સ્થિર છે. પીવાના પાણીમાં કોઈ સમસ્યાને કારણે બાળકોને ભોગ બનવુ પડ્યુ હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

દાહોદ જિલ્લાના બાળકો વિવિધ રમતમાં નિષ્ણાંત બને તે માટે દે.બારીઆ સ્પોર્ટ્સ સંકુલની ડી.એલ.એલ.એસ.હોસ્ટેલમાં રહીને તાલુકાની જુદી જુદી શાળાઓમમાં અભ્યાસ કરે છે. રવિવારની સાંજે એકાએક કેટલાક બાળકોને ઝાડા-ઉલ્ટી, તો કેટલાકને ચકકર આવવાની સમસ્યા ઉભી થઈ હતી. બાળકોને સાંજના જમવામાં દાળ-ભાત, અને રોટલી અપાઈ હતી. જોકે કેટલાક બાળકોને જ અસર થઈ હોવાની બાબતથી દોડધામ મચી જવા પામી હતી. બાળકોને તાત્કાલિક અસરથી દે.બારીઆના સરકારી દવાખાને ખસેડાયા હતા.