ફતેપુરા ખાતે રાહત દરના ખાતર અને બિયારણ માટે ખેડુતોને ધરમધકકા

ફતેપુરા, ફતેપુરા ખાતે કૃષિ વૈવિઘ્યકરણ યોજના અંતર્ગત તાલુકાના રાહત દરના ખાતર અને બિયારણ માટે ઓનલાઈન અરજી કરનારા લાભાર્થી ખેડુતોને ખાતર અને બિયારણની કિટો રાહત દરે આપવાની શરૂઆત કરાઈ છે ત્યારે તાલુકાના કેટલાક ગામડાઓના લાભાર્થી ખેડુતોને છેલ્લા ત્રણ દિવસથી ખાતર અને બિયારણની કિટો આપવામાં નહિ આવતા ખેડુતોને ધકકા ખાવાનો વારો આવ્યો છે.

તાલુકાના વિવિધ ગામોના ખેડુતો વહેલી સવારથી જ ફતેપુરા ખાતે રાહત દરના ખાતર-બિયારણ વિતરણ કેન્દ્ર ખાતે ખાતર અને બિયારણ લેવા આવે છે. વહેલી સવારથી જ ખાતર-બિયારણ વિતરણ કેન્દ્ર ઉપર લાઈનોમાં ઉભા રહ્યા બાદ જયારે તેમનો વારો આવે છે ત્યારે વિતરણ કેન્દ્રો પર ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા ડી.એ.પી.ખાતર નથી તેમ કહી દેતા ખેડુતોને નિરાશ થઈ પાછા ફરવુ પડે છે. વિતરણ કેન્દ્રના કર્મચારીના જણાવ્યા મુજબ હાલમાં ડી.એ.પી.ખાતર નથી ડી.એ.પી.ખાતર આવશે તો જ તમને રાહત દરનુ ખાતર અને બિયારણ કિટ મળી શકશે. છેલ્લા ત્રણ દિવસથી આવા લાભાર્થીઓ વિલા મોઢે પરત ધરે જાય છે. જેથી વહેલી તકે ડી.એ.પી.ખાતર મંગાવીને તેઓને ખાતર અને બિયારણની કિટો પુરી પાડવા માંગ ઉઠી છે.