ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પંજાબના ઓકારામાંથી એક ક્રૂર કિસ્સો સામે આવ્યો છે. હકીક્તમાં, અહીં સદરના પરિસરમાં ૧૭ વર્ષની સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, પીડિતાના ભાઈએ જણાવ્યું કે ગામના કેટલાક છોકરાઓએ તેનું ઘરમાંથી અપહરણ કર્યું હતું. પરિવારે એવો પણ દાવો કર્યો હતો કે તે જ છોકરાઓએ સગીર પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરીને તેની લાશને ઝાડ પર લટકાવી દીધી હતી.હાલ તો પોલીસે સગીરના મૃતદેહનો કબજો મેળવીને આ મામલે તપાસ હાથ ધરી છે.
અગાઉ, સિંધના મટિયારી જિલ્લામાં એક ટિકટોકર છોકરી પર ત્રણ પુરુષો દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ટિકટોકર છોકરીને કેટલાક લોકો દ્વારા સિંધના મટિયારી જિલ્લાના ન્યૂ સૈયદાબાદ તહસીલમાં બોલાવવામાં આવી હતી, જ્યાં તેઓએ કથિત રીતે તેના પર ગેંગરેપ કર્યો હતો. યુવતીએ વકાસ મલ્લાહ અને તેના મિત્રો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
પોલીસે શકમંદો સામે ગુનો નોંધ્યો છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ પછી પીડિતાએ આરોપીની ધરપકડ ન કરવા બદલ પોલીસની બેદરકારીની ફરિયાદ પણ કરી છે. પીડિતાનું કહેવું છે કે તેને આરોપી પરિવાર તરફથી વારંવાર ધમકીઓ પણ મળી રહી છે.
બીજી ઘટનામાં લાહોરની એક યુવતી પર ત્રણ પુરુષો અને તેના મિત્ર દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિત યુવતી અને આરોપી વીડિયો શેરિંગ એપ્લિકેશન ટિકટોક દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પોતાની ફરિયાદમાં યુવતીએ પોલીસને જણાવ્યું કે લગભગ ૨૦ દિવસ પહેલા તેણે ટિકટોક એપ્લિકેશન દ્વારા શિરાઝ નામના છોકરા સાથે મિત્રતા કરી હતી. બાદમાં છોકરાએ તેને સમનાબાદ વિસ્તારમાં બોલાવ્યો હતો. ત્યાં પહોંચીને છોકરાએ તેને કારમાં બેસવા કહ્યું, જેની અંદર પહેલાથી જ બે માણસો હાજર હતા. યુવતીએ દાવો કર્યો છે કે કારની અંદર ત્રણેય શખ્સોએ બંદૂકની અણી પર તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.