ભાજપ શા માટે વિપક્ષી દળોની બેઠકથી ચિંતિત છે ? એનસીપી પ્રમુખ શરદ પવાર

  • ધર્મ અને જાતિના આધારે સમુદાયો વચ્ચે તિરાડ કોઈપણ સમાજ માટે નુક્સાનકારક છે.

મુંબઇ, એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે કહ્યું હતું કે આગામી વર્ષની લોક્સભા ચૂંટણી પહેલા પટનામાં ગત સપ્તાહે યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં વડાપ્રધાન પદ પર કોઈ ચર્ચા થઈ નથી. પવારે મહારાષ્ટ્રના બારામતી શહેરમાં પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં મોંઘવારી, બેરોજગારી અને સાંપ્રદાયિક શક્તિઓને પ્રોત્સાહિત કરવાના કેટલાક સ્થળોએ ઇરાદાપૂર્વકના પ્રયાસો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે વિપક્ષની બેઠકની ટીકા કરવા બદલ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું કે ભાજપ શા માટે વિપક્ષી દળોની બેઠકથી ચિંતિત છે? એનસીપી પ્રમુખે કહ્યું કે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક યોજાઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ર્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓ સામેલ થયા હતા.

’વડાપ્રધાન પદ માટે ૧૯ દાવેદારો એક્સાથે આવ્યા’ એવા નિવેદનની મજાક ઉડાવતા વિરોધીઓ પર પવારે કહ્યું કે આ બાલિશ નિવેદન છે. તેમણે કહ્યું કે બેઠકમાં વડાપ્રધાન પદ પર કોઈ ચર્ચા થઈ નથી. મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે કોમી હિંસા વધારવા માટે ઘણી જગ્યાએ ઇરાદાપૂર્વક પ્રયાસો કરવામાં આવ્યા હતા.બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પવારે કહ્યું કે જે લોકો હવે સત્તામાં છે એટલે કે ભાજપ સમુદાયો વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ધર્મ અને જાતિના આધારે સમુદાયો વચ્ચે તિરાડ કોઈપણ સમાજ માટે નુક્સાનકારક છે. તેને કેવી રીતે રોકી શકાય તેના પર વિચાર કરવામાં આવ્યો.

પવારે કહ્યું કે મેં તે તમામ નેતાઓના નિવેદનો વાંચ્યા છે જેમણે પટનામાં યોજાયેલી વિપક્ષની બેઠક પર ટિપ્પણી કરી છે. લોકશાહીમાં શા માટે (વિપક્ષી નેતાઓને) સભા કરવાની મંજૂરી નથી? પવારે કહ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ , મને તેમનું નામ યાદ નથી… તેમણે કહ્યું કે બેઠક યોજવાની શું જરૂર હતી.

પવારે વધુમાં કહ્યું કે હવે મેં તેમનું એક નિવેદન વાંચ્યું છે કે તેઓ મુંબઈમાં સભા કરવાના છે. તેમણે કહ્યું કે જો તમે (ભાજપ) સભા કરી શકો છો તો અમે કેમ નહીં? અમારી મીટીંગો હોય ત્યારે તમે કેમ નારાજ થાઓ છો?