પૂર્વ એક્ધાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને રાહત, જામીન ચાર અઠવાડિયા માટે લંબાવ્યા

મુંબઇ, એન્ટિલિયા બોમ્બ કેસમાં પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને મોટી રાહત મળી છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે પ્રદીપ શર્માની વચગાળાની જામીન ચાર અઠવાડિયા માટે વધારી દીધી છે. પ્રદીપ શર્મા પર બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે પત્નીની સર્જરી માટે જામીનની મુદત વધારી દીધી છે. પ્રદીપ શર્માએ કોર્ટને જણાવ્યું કે જે ડૉક્ટર સર્જરી કરવાના હતા તેઓ વિદેશ પ્રવાસ પર હતા અને જુલાઈના પહેલા સપ્તાહમાં પાછા ફરશે. જે બાદ સર્જરી કરવામાં આવશે.

જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની વેકેશન બેન્ચે પ્રદીપ શર્માના વચગાળાના જામીનને વધુ ૪ અઠવાડિયા સુધી લંબાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે પ્રદીપ શર્માના જામીન લંબાવવાનો વિરોધ કર્યો હતો. એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે સર્જરી માટે કોઈ નિશ્ર્ચિત તારીખ આપવામાં આવી નથી, આ સ્થિતિમાં પ્રદીપ શર્મા ફરીથી તેમની જામીનની મુદત વધારવા માટે અરજી કરી શકે છે. તેમણે કહ્યું કે આ ગંભીર મામલો છે અને સાક્ષીને તપાસવાની જરૂર છે.

જણાવી દઈએ કે બોમ્બે હાઈકોર્ટે મનસુખ હિરેનની હત્યા કેસમાં પ્રદીપ શર્માને જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો હતો. હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં ૫ જૂને સુપ્રીમ કોર્ટે પ્રદીપ શર્માને ત્રણ સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા હતા. પ્રદીપ શર્માએ જામીન માટે પત્નીની સર્જરી માટે દલીલ કરી હતી. ડોક્ટર વિદેશ પ્રવાસે હોવાથી હજુ સુધી સર્જરી થઈ નથી. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે ફરી જામીનનો સમયગાળો ચાર અઠવાડિયા સુધી લંબાવ્યો છે.

જણાવી દઈએ કે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજે પર આરોપ છે કે તેણે વર્ષ ૨૦૨૧માં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીન સ્ટિકથી ભરેલી કાર પાર્ક કરી હતી. આ કાર બિઝનેસમેન મનસુખ હિરેનની હતી. માર્ચ ૨૦૨૧માં હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આરોપ છે કે સચિન વાજે અને પ્રદીપ શર્માએ મળીને મનસુખ હિરેનની હત્યા કરી હતી. પ્રદીપ શર્માની જૂન ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી.