નવીદિલ્હી, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે ભાજપ સરકાર દ્વારા મણિપુરની પરિસ્થિતિનો સામનો કરવામાં તેની નિષ્ફળતા છુપાવી શકાશે નહીં. તેમણે કહ્યું કે અહેવાલો સૂચવે છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આખરે મણિપુરની સ્થિતિ પર મોદી સાથે વાત કરી. તેમણે કહ્યું, છેલ્લા ૫૫ દિવસથી મોદીજીએ મણિપુર પર એક પણ શબ્દ બોલ્યો નથી. દરેક ભારતીય તેમના બોલવાની રાહ જોઈ રહ્યો છે. જો મોદીજીને ખરેખર મણિપુરની ચિંતા છે તો પહેલા તેમણે તેમના મુખ્યમંત્રીને બરતરફ કરવા જોઈએ.
મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. ખડગેએ કહ્યું, ભાજપ અને મોદી સરકાર દ્વારા મણિપુર હિંસાનો સામનો કરવામાં તેમની નિષ્ફળતા છુપાવી શકાશે નહીં. કોંગ્રેસ પ્રમુખે એવી પણ માંગ કરી હતી કે સરકાર ઉગ્રવાદી સંગઠનો અને અસામાજિક તત્વો પાસેથી ચોરેલા હથિયારો જપ્ત કરે. હિંસાગ્રસ્ત રાજ્યમાં શાંતિ લાવવા માટે અનેક પગલાઓનું સૂચન કરતાં ખડગેએ કહ્યું કે સરકારે તમામ પક્ષો સાથે વાતચીત શરૂ કરવી જોઈએ અને એક સામાન્ય રાજકીય માર્ગ શોધવો જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “સુરક્ષા દળોની મદદથી નાકાબંધી ખતમ કરો. રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખુલ્લા અને સુરક્ષિત રાખીને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરો. અસરગ્રસ્ત લોકો માટે રાહત, પુનર્વસન અને આજીવિકાનું પેકેજ વિલંબ કર્યા વિના તૈયાર કરવું જોઈએ. સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ સંપૂર્ણપણે અપૂરતું છે.