પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અને પોલિસ અધિક્ષક સહિતના અધિકારીઓ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

ગોધરા,
પંચમહાલ જિલ્લામાં કોરોનો વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટિઝન્સ અને ૪૫ થી ૬૦ વર્ષના વયજૂથમાં આવતા કો-મોર્બિડ વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂ આત કરાયા બાદ ગોધરા ખાતે આજથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

જે અંતર્ગત જિલ્લા સમાહર્તા અમિત અરોરા, જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ, પ્રાંત અધિકારી વિશાલ સક્સેના, મામલતદાર વિજય આંટિયા સહિતના અધિકારીઓએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ પ્રસંગે એક સંદેશમાં જણાવ્યું હતું કે રસીની કોઈ આડઅસર નોંધાઈ નથી ત્યારે આડઅસર અંગેની અફવાઓથી દોરવાયા વિના સરકાર તરફથી આવતી સૂચના અને માર્ગદર્શનને અનુસરીને લોકોએ રસી મૂકાવી પોતાને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે જનતામાંથી આ અંગેની શંકા નિર્મૂલ કરવા કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ રસી મૂકાવી વેક્સિનેશન ડ્રાઈવની શરૂ આત કરાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન વર્કર્સને દ્વિતીય ડોઝ આપવા માટે ૧૩ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેવાથી કોઈ કારણોસર વંચિત રહી ગયેલા ફ્રન્ટ લાઈન વર્કર્સ જો રસી મૂકાવવા ઈચ્છે તો આજે અને કાલે તેમને આવરી લેવાશે. આ ઉપરાંત, સિનિયર સિટિઝન્સ તેમજ કોમોર્બિડીટી ધરાવતા ૪૫ વર્ષથી ૬૦ વર્ષની આયુ ધરાવતા વ્યક્તિઓને ૫૪ સેશન્સ સાઈટ અને ૬ ખાનગી સાઈટ પરથી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૯૮૫૬ હેલ્થકેર વર્કર્સ પૈકી ૯૨૨૮ વર્કર્સને એટલેકે ૯૩.૬૩ ટકા આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ અને ૫૯૫૦ કર્મીઓને એટલે કે ૬૪.૪૮ ટકાને રસીનો બીજો અપાઈ ગયો છે. આ સાથે પોલિસ, રેવન્યુ, નગરપાલિકા સહિતના ૧૩,૬૬૪ જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો ડોઝ આપવાનું લક્ષ્ય છે. પ્રથમ તબક્કામાં ૧૩,૬૬૪ ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. હાલની સ્થિતિએ ૪૬૪ જેટલા ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બિડ વ્યક્તિઓ તેમજ ૫૯૦૭ સિનિયર સિટીઝન્સને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.