
- કેજરીવાલે આ ઘટના અંગે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાનું રાજીનામું માંગ્યું.
નવીદિલ્હી : દિલ્હીના પ્રગતિ મેદાન ટનલમાં બાઈક પર આવેલા ચાર બદમાશોએ બંદૂકની અણી પર ડિલિવરી એજન્ટની કેબને રોકીને ૨ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. દિલ્હી પોલીસે સોમવારે જણાવ્યું કે આ ઘટના ૨૪ જૂને બપોરે ૩ વાગ્યાની આસપાસ બની હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે બાઇક પર સવાર ૪ બદમાશ એક કારનો પીછો કરે છે અને તેને ટર્નલમાં રસ્તાની વચ્ચે રોકી દે છે. ત્યારે એક બદમાશ બંદૂક કાઢીને કારની સામે ઉભો રહે છે. તેના બાકીના ત્રણ સાગરિતો કારની બંને બાજુનો ગેટ ખોલી રોકડ ભરેલી બેગની લૂંટ કરે છે. લૂંટ કરીને તમામ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.સીસીટીવી ફૂટેજમાં ઘટના દરમિયાન અનેક કાર અને બાઇક સવારો ટર્નલમાંથી પસાર થતા દેખાય છે, તેમ છતાં કોઈ રોકાતું નથી. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
રિપોર્ટ્સ અનુસાર, પીડિત સાજન કુમાર પટેલ ચાંદની ચોકના ઓમિયા એન્ટરપ્રાઇઝમાં ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે. ૨૪ જૂને તે તેના પાર્ટનર જીગર પટેલ સાથે ચાંદની ચોકથી ગુરુગ્રામ જવા નીકળ્યો હતો. તેની પાસે રોકડ ભરેલી બેગ હતી. આ બેગ તેના ક્લાયન્ટને પહોંચાડવાની હતી. બંનેએ લાલ કિલ્લા પરથી એક કેબ બુક કરી અને રિંગ રોડ પર ગુરુગ્રામ જતા પ્રગતિ મેદાન ટર્નલમાં પ્રવેશ્યા. આ દરમિયાન બે બાઇક પર સવાર ૪ બદમાશોએ પિસ્તોલ બતાવીને કેબ અટકાવી હતી અને બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ પછી સાજન કુમારે પોલીસને ઘટનાની જાણ કરી. તેણે પોલીસને જણાવ્યું કે બેગમાં લગભગ ૧.૫ થી ૨ લાખ રૂપિયા રોકડા હતા.
પોલીસે જણાવ્યું કે આ ટર્નલ લગભગ ૧.૫ કિલોમીટર લાંબી છે. ૧૬ સુરક્ષા ગાર્ડ ટનલની રક્ષા કરે છે. આ ટનલ નવી દિલ્હીને સરાઈ કાલે ખાન અને નોઈડા સાથે જોડે છે. ઘટના સમયે, બે સુરક્ષા ગાર્ડ ટર્નલના પ્રવેશ અને બહાર નીકળવા પર તહેનાત હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વિનય કુમાર સક્સેનાનું રાજીનામું માંગ્યું છે. કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું- એલજી રાજીનામું આપે. એવા વ્યક્તિને લેફ્ટનન્ટ ગવર્નર બનાવવો જોઈએ જે દિલ્હીના લોકોને સુરક્ષા આપી શકે. કેજરીવાલે કહ્યું- જો કેન્દ્ર સરકાર દિલ્હીને સુરક્ષિત ન બનાવી શકે તો સુરક્ષાની જવાબદારી અમને સોંપો. અમે તમને બતાવીશું કે શહેરને તેના નાગરિકો માટે કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય છે.