ફરી એકવાર પાકિસ્તાનના એરસ્પેસમાં ઘુસી ગઇ ઇન્ડીગોની ફલાઇટ

નવીદિલ્હી : ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની એક ફ્લાઈટ પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશી હતી. આ જાણકારી એરલાઈન્સ કંપનીએ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો ફ્લાઈટ ૬ી-૨૧૨૪ થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં જતી રહી હતી. ત્યારબાદ તેને અમૃતસર તરફ લઇ જવામાં આવી હતી. એરલાઈન કંપનીના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈટ જમ્મુ જઈ રહી હતી ત્યારે ખરાબ હવામાનને કારણે તેને પોતાનો રૂટ બદલવો પડ્યો હતો.

ફ્લાઈટ ના પાઇલટના જણાવ્યા અનુસાર, હવામાન એટલું ખરાબ થઈ ગયું હતું કે તેને થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં જવાની ફરજ પડી હતી, જોકે તેના થોડા સમય બાદ ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત આવી ગઇ હતી. આ અંગે માહિતી આપતા ઈન્ડિગોના એક અધિકારીએ જણાવ્યું કે પાઈલટ દ્વારા સંબંધિત અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. પાઇલટે ખરાબ હવામાન વિશે અધિકારીઓને જાણ કરી અને કહ્યું હતું કે તેને પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ કરવો પડશે, ત્યારબાદ અધિકારીઓએ તેને મંજૂરી આપી હતી. અધિકારીએ કહ્યું કે સમગ્ર ડાયવર્ઝન લાહોર અને જમ્મુ એટીસી દ્વારા સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. આખરે ફ્લાઈટ ને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી હતી.

જે બાદ એરપોર્ટ પર ફ્લાઈટ નું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના લગભગ એક મહિના પણ બની હતી. ઈન્ડિગોની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાની એરસ્પેસમાં ગઈ હતી. આ ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ જઈ રહી હતી. ઈન્ડિગો ફ્લાઈટ ૬ઊ-૬૪૫ને અટારીથી પાકિસ્તાન તરફ જવાનું હતું, ત્યારબાદ પાકિસ્તાની અઝઈ સાથે સંપર્ક કરવામાં આવ્યો અને તેને જાણ કરવામાં આવી. આખરે ફ્લાઈટ અમદાવાદ પહોંચી હતી.