પાંચમી ડિસેમ્બર-2025ના રોજ એવી પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, શનિયાળા, તાલુકો ઘોઘંબા ખાતે વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ માર્ગદર્શન રીંછવાણી ઙઇંઈની ડોક્ટર મેડમ દ્વારા આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડોક્ટર મેડમે તમાકુના વિવિધ સ્વરૂપો જેમ કે બીડી, સિગારેટ, ગુટખા, ખૈની, મસાલો વગેરે શરીર પર પડતી હાનિકારક અસરો અંગે સરળ અને ચિત્રાત્મક સમજ આપી. ખાસ કરીને મોંનું કેન્સર, ફેફસાંનું કેન્સર, હૃદયરોગ, ક્ષયરોગ (ઝઇ), શ્ર્વસનતંત્રના રોગો અને લોહીની નસ સંબંધિત ગંભીર બીમારીઓ અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક આધાર સાથે જાગૃત કરવામાં આવ્યા.
કમ ઉંમરે તમાકુનો પ્રારંભ થવાથી તેની લત ઝડપથી વિકસતી હોવાના જોખમો અંગે પણ વિગતવાર સમજાવવામાં આવ્યું. આ સાથે સરકાર દ્વારા ઉપલબ્ધ તમાકુ મુક્તિસેવા, સલાહ કેન્દ્રો અને હેલ્પલાઇન વિશે માહિતી આપી, જેથી વિદ્યાર્થીઓ અથવા તેમના પરિવારજનો જરૂર પડે ત્યારે મદદ મેળવી શકે.
વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્વક પ્રશ્ર્નો પૂછ્યા અને ડોક્ટર મેડમે તમામ પ્રશ્ર્નોના સરળ અને સંતોષકારક જવાબ આપ્યા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં તમાકુમુક્ત જીવન જીવવાની પ્રેરણા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ નોંધપાત્ર જોવા મળી. શાળાની આ પહેલ પ્રશંસનીય છે, જે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને સંવેદનશીલ નાગરિક તરીકે વિકસવામાં સહાયરૂપ બનશે.