કાલોલના બાકરોલ ગામે કરાડ નદીમાં નવુ પાણી આવતા કેમિકલના ફીણ ઉભરાતા જોવા મળ્યા

કાલોલ, કાલોલ તાલુકાના બાકરોલ ગામના સીમાડે વહેતી કરાડ નદીમાં તાજેતરમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે બાકરોલ ગામના કોઝવે પાસે નદી પટમાં કેમિકલ ફીણના ગોટેગોટા ઉભરાયા હતા.

બાકરોલ ગામ વિસ્તારમાં આવેલી આ કરાડ નદીના પટ વિસ્તારમાં પાછલા 10/12 વર્ષથી દર વર્ષે આ સમસ્યા વકરતી જાય છે. દર વર્ષે સ્થાનિક પંચાયત દ્વારા પ્રદુષણ નિયંત્રણ વિભાગને રજુઆત કરાય છે. દર વર્ષે તંત્ર દ્વારા ફીણયુકત પાણીના સેમ્પલો લેવાય છે. પરંતુ નદીમાં પાણી વહી જાય છે એમ તંત્રની કાર્યવાહીના દિવસો પણ વિતી જાય છે. પરંતુ નદી પટ અને પર્યાવરણને દર વર્ષે નુકસાન કરતી મુળ સમસ્યાના નિવારણ માટે તંત્રના પેટનુ પાણી પણ હાલતુ નથી. બાકરોલ ગામની કરાડ નદી પટમાં ઉપરના ભાગમાં ભુવરનુ નાળુ ઠલવાય છે. નાળામાં હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલી અનેકવિધ પ્લાસ્ટિક અને કેમિકલ પદાર્થોથી કંપનીઓ દ્વારા તેમના કેમિકલ્સ વેસ્ટ ઠાલવવામાં આવે છે. જે નાળા મારફતે સમગ્ર કેમિકલ વેસ્ટ કરાડ નદીમા ઠલવાય છે. જેને પરિણામે દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં ફીણના ગોટાઓ સર્જાય છે. જેના કારણે નદી પટના સમગ્ર ભુસ્તર વિસ્તારના કુવા અને બોરના પાણી પણ પ્રદુષિત થતાં હોવાની સમસ્યા વકરતી જાય છે. જે અંગે જવાબદાર તંત્રને અસરગ્રસ્ત ગામલોકો દ્વારા અનેક રજુઆતો કરી છે. તેમ છતાં આ ભુવરનાળા મારફતે કેમિકલ વેસ્ટ નદી પટમાં ઠાલવતી કંપનીઓને શોધવામાં અને શોધીને જવાબદાર કંપનીઓ સામે અસરકારક પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જોકે પાછલા દસ-પંદર વર્ષથી નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવતી કંપનીઓ સામે અસરકારક કાર્યવાહી કરવા અંગે તંત્રના ઠાગાઠૈયા સામે અસરગ્રસ્ત લોકોએ ભારે રોષ વ્યકત કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.