સંજેલી, સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડુત તેમજ વેપારીના મતદાર યાદી પ્રસિદ્ધ કરાતા રાજકારણ ગરમાયુ છે. સિલેકશન બોડી દરમિયાન રાતોરાત વેપારી બની ડિરેકટર બની બેઠેલા બે વેપારીઓના નામો મતદાર યાદીમાંથી ગાયબ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઝાલોદમાંથી વિભાજન થતાં જ તાત્કાલિક સિલેકશન બોર્ડની રચના કરવામાં આવી હતી. જેમાં રાતોરાત સંજેલીના બે પુર્વ સરપંચોને વેપારી બનાવી અને ડિરેકટરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓમાં નારાજગી વ્યાપી જવા પામી હતી પરંતુ બિલાડીના ગળે ધંટ બાંધે કોણ તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સિલેકશન બોર્ડની મુદ્દત પુર્ણ થયા બાદ વહીવટદારની નિમણુંક કરી દેવામાં આવી હતી. જેના છ માસ વિત્યા બાદ પણ ચુંટણી ન યોજાતા વેપારી તેમજ ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ અચાનક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રથમ વખત ચુંટણી યોજાવાની છે. જેને લઈને 50 વેપારીઓ અને 72 ખેડુતોના નામો મળી 122 મતદારોના નામોની યાદી જિલ્લા રજીસ્ટાર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. જેને લઈને વેપારી તેમજ ખેડુતોમાં ચુંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. જયારે બીજી તરફ સિલેકશન બોડીમાં રાતોરાત વેપારી બની અને ડિરેકટર બની બેઠેલા સંજેલીના પુર્વ સરપંચોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં ચારે કોર ચર્ચાનો વિષય બન્યો છે. ખેડુત તેમજ વેપારી મિત્રોમાં ઉમેદવારીને લઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.