શહેરાના સરકારી અનાજનો જથ્થો બારોબાર ગેરવલ્લે કરવાના કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ઉછળતા સંડોવાયેલ ચમરબંધીઓને છોડાશે નહીંની મંત્રીની ખાતરી

  • અગાઉ શહેરા મામલતદાર દ્વારા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોધાવામાં આવી છે.
  • કાયદાકીય રીતે વસૂલવા પાત્ર રકમ ૩ કરોડ ૬૭ લાખ ઉપરાંતની હોવાની ફરિયાદમાં ઉલ્લેખ.
  • ગોધરાની ચુંટણી સભામાં મુખ્યમંત્રી એ પણ અનાજ માફિયાઓ સામે સખ્ત કાર્યવાહીનો સંકેત આપ્યો હતો.
  • હવે જોવું રહ્યું કે, કેટલા સમયમાં કયા કયા ચહેરાઓ ખુલ્લા પડે છે.

શહેરા,
શહેરા અનાજ ગોડાઉન માંથી બહાર આવેલ કૌભાંડ ને લઈને ગોડાઉન મેનેજરને મુખ્ય આરોપી તેમજ અન્ય બે ઈસમો ને શકદાર તરીકે રાખીને ૩ કરોડ ૬૭ લાખની ફરિયાદ નોંંધાયા બાદ આ અનાજ કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ઉછળતા મુખ્યમંત્રી એ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપીને સંડોવાયેલા ચમરબંધીઓને પણ છોડાશે નહીં તેઓ જવાબ અપાતા અનાજ માફિયાઓમાંં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. જોકે, જીલ્લા ચુંટણી પ્રવાસ દરમ્યાન આવેલા મુખ્યમંત્રી એ સખ્ત કાર્યવાહીનો ઈશારો કર્યો હતો.

એક તરફ શહેરા તાલુકામાં અને નગરમાં ચુંટણીનો માહોલ બરાબર જામ્યો હતો. તેવા સમયે શહેરા તાલુકામાં સરકારી અનાજ કૌભાંડ બહાર આવતાં ભાજપ શરમજનક હાલતમાં મુકાયું હતું. ગરીબ પરિવારોના હકકનું અનાજ માફિયાઓ દ્વારા ઓહીયા કરી જઈને તેઓને અનાજ થી વંચિત રાખવામાં આવ્યાના કૌભાંડ બહાર આવતાં ચુંટણીમાં મતદારો ઉપર આ મુદ્દો અસર ન કરે તે માટે રાતોરાત ફરિયાદનો ધમધમાટ સાથે જવાબદારોએ કાર્યવાહીને ખાતરી આપીને મામલો થાળે પાડી દીધો હતો. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગોધરામાં આયોજીત ચુંટણી સભામાં ભૌતિક ચકાસણીના આદેશો આપીને વહીવટમાંં જોં કાંઈ ગરબડ દેખાશે તો સરકાર કડક હાથે કામ લેશેની ઉચ્ચારણો કરતા શહેરાના અનાજ કૌભાંડમાં સામેલ અનાજ માફિયાઓમાં ભયની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસે શરૂ કરાયેલી તપાસ વચ્ચે કયા કયા ચહેરાઓ છે. કોઈ રાજકીય નેતાઓ તો નથી ને તંત્રની મીલીભગતથી કેટલાક સમયથી કૌભાંડ ચાલુ રહ્યું હતું અને કોને લાભદાયી પુરવાર થઈ રહ્યું છે. તેની છેલ્લા કેટલાક દિવસો થી આ કૌભાંડને લઈને પ્રજામાં અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. ત્યારે ગુરૂવારના રોજ ગુજરાત વિધાનસભામાં અનાજ કૌભાડનો મુદ્દો ઉછળ્યો હતો. પ્રશ્ર્નોતરી કાળમાં કોંગ્રેસના આક્ષેપોને જવાબ આપતાં મંત્રી જયેશ રાદડીયા એ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના પાલનપુર અને શહેરાના સરકારી અનાજ ગોડાઉનમાં ગેરરીતિના મામલામાં સંડોવાયેલા લોકોને પકડવાનો સરકારે નિર્ણય કર્યો છે. અને ગરીબોનું અનાજ ગરીબો સુધી પહોંચાડવા સરકાર કટીબદ્ધ છે. જોકે, ધઉં અને ચોખાનો જથ્થો સગેવગે કરવાની ધટનામાં મુખ્યમંત્રી એ સમગ્ર કેસની તપાસ માટે ક્રાઈમ બ્રાંચને સુચના આપી હોવાનો સ્વીકાર કર્યો હતો.

આમ, વિધાનસભામાં કોંગ્રેસના કાઉન્ટર જવાબમાં પુરવઠા મંત્રી એ સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપીને કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, કેટલા સમયમાં આ ગોરખધંધામાં સામેલ જવાબદારો સામે સખ્ત કાર્યવાહી થશે. જોકે અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ ગોદામો પર અચાનક છાપો મારી ને હાજર જથ્થો તપાસમાં જોતા ૨૬,૫૩૦ બોરિઓની જગ્યાએ ૧૩,૪૦૩ બોરિઓનો હાજર જથ્થો મળી આવ્યો હતો. આમ ૧૩,૧૨૭ બોરીઓનો જથ્થો બારોબાર ગેરવલ્લે થયાનું ધ્યાને આવ્યું હતું. તેજ રીતે ચોખાનો બંધ જથ્થો ગણી જોતા ૧૧,૬૮૯ બોરીઓની જગ્યા એ ૧૦,૩૯૧ બોરીઓ નો હાજર જથ્થો મળી આવ્યો હતો.આમ ૧૨૯૮ ચોખા ની બોરીઓ ની ઘટ સામે આવી હતી. જો ઘઉ અને ચોખાનીની ગેરવલ્લે થયેલ બોરીઓની કિંમત ગણવામાં આવે તો ૧ કરોડ ૮૫ લાખ ની થવા જઈ રહી છે. તેના કારણે રાજ્ય સરકાર ને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સુનિયોજિત કાવતરૂ ગણી શકાય જે અનુસંધાનમાં ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત તેમજ ગોડાઉનમાં તપાસણી કરનાર સી.એ. ટીમ ના પ્રતિનિધિ (વિજય તેવર એન્ડ કંપનીના વિશાલ શાહ રહે, વડોદરા) અને ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરીફ નુરૂલ અમીન શેખની વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાઇ હતી.જેમાં કનૈયાલાલ નાગજીભાઈ રોત ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ને મુખ્ય આરોપી અને બે ઇસમ અનુક્રમે વિશાલ અને આરીફ ને આ કૌભાંડમાં શકદાર તરીકેનો ફરિયાદ નોંધણીમાં ઉલ્લેખ કરાયો હતો.આ અનાજ કૌભાંડમાં એક સરકારી કર્મચારી આરોપી હોવાના કારણે ઈપીકો કલમ ૪૨૦,૪૦૯,૧૨૦ (બી) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ ૩,૭ મુજબનો ગુનો નોંધ્યો હતો. હાલમાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે.