મોદીને ૨૫ વીઘા જમીન આપશે ૧૦૦ વર્ષના બા, કહ્યું એ મારો દીકરો છે

મધ્યપ્રદેશ\ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના હરિપુરા જાગીર ગામના ૧૦૦ વર્ષના બા માંગીબાઈને PM મોદી માટે અપાર પ્રેમ છે. માંગીબાઈએ જણાવ્યું હતું કે, મોદી મારા પુત્ર છે. અમને ઘઉં-ચોખા, ખાતર-બીજ આપવામાં આવ્યા છે. તે અમારી સારવાર કરી રહ્યા છે. પાક નિષ્ફળ જાય તો વળતર આપે છે. તીર્થયાત્રા કરાવી, કોલોનીમાં રહેવા માટે મકાન આપ્યું. તે મને વિધવા પેન્શન આપે છે.

માંગીબાઈએ કહ્યું, મેં તેમને ક્યારેય રૂબરૂ જોયા નથી, પરંતુ ટીવી પર ચોક્કસ જોયા છે. હું મારા પુત્ર ને મળવા માંગુ છું. હું તેમના માથા પર મારો હાથ રાખીને તેમને આશીર્વાદ આપવા માંગુ છું. હું માત્ર PM મોદીને કહેવા માંગુ છું કે, પેન્શનમાં થોડો વધારો કરો.

માંગીબાઈ કહ્યું કે, તેમને કુલ ૧૪ બાળકો છે. ૧૨ પુત્રીઓ અને બે પુત્રો છે, પરંતુ સૌથી પ્રિય પુત્ર PM મોદી છે. મારા ૧૪ બાળકો PM મોદી જેટલા ઉપયોગી નથી. મેં ઘરની દિવાલ પર PM મોદીનો ફોટો લગાવ્યો છે. દરરોજ સવારે ઉઠીને હું ચિત્ર જોઉં છું. વૃદ્ધ મહિલાનું કહેવું છે કે, હું મારી ૨૫ વીઘા જમીન મોદીને જ આપીશ, કારણ કે PM મોદી આપણા બધાનું યાન રાખે છે. માંગીબાઈએ કહ્યું, હું મારા બાળકોને કહું છું કે,PM મોદીને જ મત આપો. તે એમ પણ કહે છે કે , PM મોદીએ અમને બધાને કોરોનાથી બચાવ્યા. લોકોનું ભલું કરતાં મારો દીકરો ઘરડો થઈ ગયો છે.

વાત જાણે એમ છે કે, ૨૨ જૂન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યાના ૯ વર્ષ પૂરા થવાના અવસર પર ભાજપના કાર્યકરો હરિપુરા જાગીર ગામ ખાતે વિકાસ યોજનાની પત્રિકાઓનું વિતરણ કરવા પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો પણ પત્રિકાઓ વહેંચવા માંગીબાઈના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન માંગીબાઈએ કાર્યર્ક્તાઓને કહ્યું કે, જો PM મોદીની પત્રિકા હોય તો જ આપો, બીજાની હોય તો ન આપો.

આ દરમિયાન માંગીબાઈ સાથે કાર્યકરોની વાતચીતનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. હવે મોદીના વખાણ કરતો માંગીબાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.