હાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખના ગેરકાયદે કબજાવાળી કરોડોની કિંમતની જમીન શ્રી સરકાર કરી દેવાઇ.

હાલોલ પાલિકાના પૂર્વ પ્રમખ અને તેમના પુત્ર દ્વારા આદિવાસીની જમીન પર ગેરકાયદે કબજો કરી તેના પર કરવામાં આવેલ બાંધકામ દૂર કરવા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ આદિવાસીની આ જમીનનો કોઇપણ કાયદેસરનો વારસદાર ન હોવાથી તેને શ્રી સરકાર એટલે કે ખાલસા કરવાનો હુકમ કલેક્ટરે કર્યો છે.

હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ પરમારે પોતાના દબદબાભર્યા સત્તાકાળમાં પાલિકાના હદ વિસ્તારમાં આવેલ જાંબુડી ગામની રેવન્યુ સર્વે નંબર- 9 ની 73AA પ્રકારની નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની આદિવાસી મહિલાની જમીનમાં પૂર્વ મંજૂરી વગર મકાનો અને દુકાનોનું બાંધકામ કર્યું હતું. સુભાષ પરમારે આ મિલકતનો પોતાના પુત્ર અને પાલિકાના પૂર્વ સદસ્ય ચિરાગ પરમારને વહીવટ સુપરત કર્યો હતો અને તેઓ આ જમીન પર કબજો ધરાવતા હતા. પરંતુ હકીકતમાં આ જમીન તેમની માલિકીની ન હતી પરંતુ એક આદિવાસી પરિવારની હતી.

હવે જો આ જમીનની સત્તાવાર માલિકી અંગે જણાવીએ તો આ જમીન પાવાગઢથી વડોદરા અને ગોધરા તરફ જતા હાલોલ બાયપાસ પર જાંબુડીના રેવન્યુ સર્વે નં. 9 ની 73AA પ્રકારની છે. ત્રણ હેક્ટર જેટલી (2.89.98 હેક્ટર. ચોરસ મીટર) આ જમીનની માલિકી નાયક જામલીબેન વેસ્તાભાઈના નામની છે. વૃદ્ઘા જામલીબેનને વારસદારમાં કોઇ નહોતું. જેથી આ જમીન જામલીબેનના ભત્રીજા કેસરીસિંહને વસિયત કરી અપાઇ હતી. પરંતુ કેશરીસિંહનું પણ મોત થયું અને તેમની પાછળ પણ કોઇ વારસદાર નહોતું. તેમજ આ જમીન પર ભાજપ નેતા સુભાષ પરમાર કબજો ધરાવતા હતા અને તેનો વહિવટ કરતા હતાં. જેની સામે મૂળ જમીન માલિક એવા આદિવાસી પરિવારને પણ કોઇ વાંધો નહોતો એટલું બધું ચાલ્યા કર્યું. બીજી તરફ સુભાષ પરમાર આ જમીન પર કબજો ધરાવતા હોવાથી આ જમીનનો ઉપયોગ કરતા રહ્યા. ત્યાં સુધી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટિકિટની માંગણી સાથે પોતાના પ્રચાર માટે કાર્યાલય પણ ખોલી નાખ્યું હતું. જો કે સુભાષ પરમારને ભાજપે ટિકિટ આપી ન્હોતી.

સુભાષ પરમારના ગેરકાયદે કબજાવાળી જમીનનો કોઇ કાયદેસર વારસદાર ન હોવાથી પંચમહાલ કલેક્ટર આશિષ કુમારે જમીન મહેસૂલ કાયદાની કલમ-66 તથા 79(એ), હેઠળ શરત ભંગની કાર્યવાહી કરી સર્વે નંબર 9ની જમીન શ્રી સરકાર કરતો હુકમ કર્યો છે. સાથે જ તેમણે આ આદિવાસી મહિલાની જમીન ઉપર રહેણાક અને વાણિજ્ય બાંધકામોને દિન 15 માં ચિરાગ પરમારે દૂર કરવાનો આદેશ ફરમાવ્યો છે. અને જો આ બાંધકામ દૂર ના કરે તો હાલોલ ચીફ ઓફિસરને આ બાંધકામો ચિરાગ પરમારના ખર્ચે અને જોખમે દૂર કરીને દિન-20માં અહેવાલ સુપરત કરવાનો આદેશ કર્યો છે.