ધોધમાર વરસાદ વચ્ચે થાંભલામાં આવ્યો કરંટ, નવી દિલ્હી સ્ટેશન પર મહિલાનો ગયો જીવ

નવીદિલ્હી, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રેલવેની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં એક મહિલાનો જીવ ગયો. મહિલા જ્યારે સ્ટેશન જઈ રહી હતી ત્યારે તે સમયે વરસાદના કારણે પાણી ભરાયા હતા. રસ્તામાં ભરાયેલા પાણીથી બચવા માટે મહિલાએ વીજળીના થાંભલાનો સહારો લીધો તો કરંટનો ઝટકો લાગ્યો. આજુબાજુના લોકોએ મહિલાને તરત હોસ્પિટલ પહોંચાડી જ્યાં તેનું મોત નિપજ્યું. રેલવેની સાથે જ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ દિલ્હીના પ્રીત વિહારની સાક્ષી આહૂજા નામની યુવતી સવારે લગભગ સાડા ૫ વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. મહિલાની સાથે બે અન્ય મહિલાઓ અને ૩ બાળકો હતા. સાક્ષી ભોપાલ શતાબ્દી ટ્રેનથી જવાની હતી. રાતથી ખુબ જ વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે સ્ટેશનની આજુબાજુ પાણી ભરાયેલા હતા.

સ્ટેશન તરફ જતી વખતે પાણીથી બચવા માટે યુવતીએ સહારો લેવા માટે વીજળીનો થાંભલો પકડી લીધો. આ દરમિયાન મહિલાને કરંટનો જોરદાર ઝટકો લાગ્યો અને મહિલા પડી ગઈ. આજુબાજુના લોકોએ જ્યારે જોયું તો તેમણે મહિલાને બચાવવાની કોશિશ કરી. લોકોએ સાવધાની વર્તતા મહિલાને થાંભલાથી અલગ કરી અને તરત હોસ્પિટલ પહોંચાડી. હોસ્પિટલમાં મહિલાએ દમ તોડ્યો.

લોકોનું કહેવું છે કે દિલ્હી રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુબ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. અહીં વીજળીના થાંભલાની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા. સાક્ષી આહૂજા થાંભલાની પાસેથી પસાર થઈ રહી હતી. સાક્ષીએ જેવો સહારા લેવા માટે થાંભલો પકડ્યો કે તેને કરંટનો ઝટકો લાગ્યો.

એવું કહેવાય છે કે જે થાંભલો લાગેલો છે તેના પર વીજળીના ખુલ્લા તાર હતા જેને કારણે થાંભલામાં પણ કરંટ આવી યો. જ્યારે મહિલાએ રસ્તેથી નીકળતા થાંભલાને ટચ કર્યો તો તેને પણ કરંટનો ઝટકો લાગ્યો. હાલ પોલીસે મામલો નોંધી લીધો છે. રેલવેની સાથે જ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે કે આખરે બેદરકારી કોની હતી. સૂચના મળતા જ ફોરેન્સિકની ટીમ પણ પહોંચી. આ ઘટના સંદર્ભે આઈપીસીની કલમ ૨૮૪/૩૦૪ નોંધવામાં આવી છે.

ઉત્તર રેલવેના CPRO દીપક કુમારે કહ્યું કે પ્રાથમિક તપાસથી એવું લાગે છે કે વરસાદના કારણે પાણી ભરાયાના કારણે કરંટ આવવાથી આ અકસ્માત થયો. એવું પ્રતિત થાય છે કે ઈન્શ્યુલેશન ફેલિયરના કારણે કેબલથી કરંટ લીકેજ થયો. રેલવેની કાર્યપ્રણાલીમાં કોઈ પ્રકારની કમી નથી. આવું બીજીવાર ન થાય તે માટે તપાસ થઈ રહી છે. દિલ્હી મંડળમાં વિદ્યુત સેટી ડ્રાઈવ શરૂ કરાઈ છે. જેનાથી આવું ફરી ન થાય.