હાલોલ, હાલોલ શહેર એમજીવીસીએલની કચેરી દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં નહીં આવતા આજે સવારે પાવાગઢ રોડ ઉપર આવેલી હોટલ આસોપાલવની નજીક વીજ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવેલા વીજપોલ પાસે કરંટ ઉતરતા બે પશુઓના મોત નિપજ્યા છે. બિપરજોય વાવાઝોડા દરમિયાન વૃક્ષોની ડાળીઓ તૂટીને વીજ લાઈનો ઉપર પડતાં અકસ્માતનો ભય હોવાના સંકેતો સ્થાનિક રહીશોએ વીજ કંપનીને આપ્યા હોવા છતાં, વીજ કંપની દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ હતી.
હાલોલ શહેરના વીજ ગ્રાહકોને વીજ સપ્લાય પૂરો પાડતી એમજીવીસીએલ કચેરી દ્વારા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલોલ શહેરમાં એમજીવીસીએલ કંપની દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી હોય તેવું જોવા નથી મળતું. અનેક ઠેકાણે વૃક્ષો, વીજ વાયરો અને વીજપોલને અર્થ કરી રહ્યા હોય, ગમે ત્યારે અકસ્માતનો ભય સતત રહેતો હોય છે. જ્યાં ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે, તે વીજપોલને બેરીકેટ કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી. હાલોલ નગરના પાવાગઢ રોડ ઉપર આવા અનેક ટ્રાન્સફોર્મર વાળા પોલ ખુલ્લા ઉભા છે. ત્યારે આજે સવારે આસોપાલવ હોટેલ પાસે એક ટીસી વાળા વીજપોલ ઉપર બે પશુઓને વીજ કરંટ લાગતા પશુઓના મોતથી સ્થાનિકોએ વીજ કંપનીની કામગીરી પ્રત્યે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
સવારે અહીં આવેલી કરિયાણાની દુકાને ગોળ ખાવા આવતી ગાયોને ગોળ આપતા વેપારી એ જણાવ્યું કે, સવારે સાડા આઠ વાગ્યે એક ગાય આવી એટલે હું ગોળ લેવા દુકાનની અંદરના ભાગે ગયો હતો. બહાર આવ્યો ત્યારે ગાય થાંભલે ચોંટી ગઈ હતી. અમારી દુકાને રોજ દસેક ગાયો નિયમિત ગોળ ખાવા આવે છે .એટલે અમે એમજીવીસીએલમાં ફોન કરી આ દુર્ઘટનાની જાણ કરી પણ યોગ્ય જવાબ ન મળ્યો અને વાયા વાયા અમે કચેરીમાં જાણ કરી ત્યાં સુધીમાં બીજી એક ગાય આવી ને ત્યાં ચોંટી જતા અમે બહાર ઉભા રહ્યા અને અન્ય ગાય ત્યાં ન જાય તે માટે દૂરથી ભગાડી મૂકી હતી.
અન્ય એક અરજદારે જણાવ્યું કે, આ દુર્ઘટના નજીક વાવાઝોડા દરમિયાન લીમડાની ડાળીઓ વીજ વાયરો અને પોલ ઉપર પડી હતી. જે હટાવવા અમે કચેરીમાં અરજી આપી હતી. કચેરીના માણસોએ આવી જાતે ડાળીઓ ઉતારી લેવા જણાવ્યું હતું. અમારી પાસે ઝાડ કાપવા વાળા માણસો નથી તેવો જવાબ આપ્યો હતો. અમારા ઘર પાછળ પણ એક પોલ નમી ગયો છે અને મકાન ઉપર આવી ગયો છે. ત્યાં પણ અકસ્માત થવાની સંભાવનાઓ છે. પણ કચેરીવાળા થાંભલાના પૈસા ભરો તો નવો થાંભલો નાખી આપીએ તેવો જવાબ આપે છે. અમે ક્યાંથી પૈસા લાવીએ. સવારે બનેલી દુર્ઘટના બાદ કલાક સુધી વીજ પ્રવાહ બંધ કરવામાં ન આવતા અન્ય એક ગાય પણ અકસ્માતનો ભોગ બની હતી. પછી મોડે મોડે આવેલા વીજ કર્મચારીઓએ વીજ પ્રવાહ બંધ કરી કરંટ ક્યાંથી ઉતરી રહ્યો છે તેની તપાસ કરવાના કામે લાગ્યા હતા.