દાહોદ,
દાહોદ જિલ્લામાં બે દિવસથી હવામાન ખાતાની આગાહી મુજબ મુશળધાર વરસાદ વરસી રહૃાો છે. સમગ્ર જિલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે.ભારે વરસાદને પગલે ઝાલોદની અનાસ નદીમાં ૬ યુવકો ફસાયાનો બનાવ બન્યો હતો. તમામ યુવકો અસ્થિ વિસર્જન માટે અનાસ નદી ખાતે ગઈકાલે ગયા હતા. અચાનક નદીમાં પૂર આવી જતાં ૬ યુવકો નદીની વચ્ચે ફસાયા હતા. ત્યારે ૬ યુવકો પૈકી એક યુવક તણાઈ ગયો હતો અને અન્ય એક યુવક પૂરની વચ્ચે પણ તરીને બચવામાં સફળ રહૃાો હતો. ફસાયેલા ૪ યુવકોને બચાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હતું અને નદીના વહેણમાં અન્ય ૪ યુવકો પણ તણાઈ ગયા હતા. ૬ માંથી ૫ની ઓળખ થઈ જ્યારે અન્ય એક યુવકની હાલ પણ ઓળખ થઈ શકી નથી.
તમામ ૫ તણાઈ ગયેલા યુવકો પૈકી ૧ યુવકની લાશ રાજસ્થાનના ગોડા ગામેથી મળી આવી છે. ગરાસિયા ભીમજીભાઈ નામના યુવકની લાશ નદીના પ્રવાહમાં તણાઈને રાજસ્થાન પહોંચી હતી. હજી પણ ૩ યુવકો લાપતા છે. જેઓની શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે અનાસ નદીમાં આ બનાવ બન્યો હતો. નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો પાણીનો પ્રવાહ અચાનક આવી જતા ફસાઈ ગયા છે. આવામાં એક યુવક નદીમાં તણાઈ જવાનો પણ બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
યુવકોને રેસ્કયૂ કરવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. તંત્રના અનેક પ્રયાસો છતા નદીના પટ પર ફસાયેલા બાકીના ૫ યુવકો પણ તણાઈ ગયા હતા. વહીવટી તંત્રની હાજરીમાં બચાવ કામગીરી થઈ શકી ન હતી. ઘટનાના કલાકો બાદ પણ યુવકોને બચાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. આમ, લોકોની નજર સામે ૬ યુવકો તણાયા હતા. દાહોદમા ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફ ની ટીમ દાહોદમા તૈનાત કરાઈ છે. દાહોદમા એનડીઆરએફ ની ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જોકે, હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના પગલે દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. દાહોદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ આખરે ખુલ્લી પડી ગઈ છે. ભારે વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો તો છોડો, પણ નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.