શહેરા તાલુકામાં ચોમાસાની શરૂઆતના અહેસાસ સાથે ખેડુતો ખેતી કામમાં જોતરાયા

શહેરા,શહેરા તાલુકા પંથકમાં ચોમાસાની ઋતુનો અહેસાસ લોકોને થવા સાથે અમુક ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા. જ્યારે ખેડૂતો એગ્રો સેન્ટર ખાતે ખાતર અને બિયારણની ખરીદી કરવા આવ્યા હતા.

શહેરામાં શનિવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યા બાદ રવિવારના રોજ પણ ચોમાસાની ઋતુ જેવો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો હતો. જ્યારે રવિવારના રોજ વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે ગરમી માંથી લોકોને થોડી ગણી રાહત થઈ હતી. ગ્રામીણ વિસ્તારના અમુક ખેડૂતો પરીવારજનો સાથે ખેતીકામમાં જોતરાયા હતા. ખેતરમાં ખેડૂતો બળદ થી ખેડ કરતા અને ટ્રેકટરથી પણ પોતાનું ખેતર ખેડાવતા નજરે પડી રહ્યા હતા. તાલુકા મથક ખાતે આવેલા એગ્રો સેન્ટર ખાતે બીયારણ અને ખાતરની ખરીદી માટે ખેડૂતોની ભીડ જોવા મળી હતી. વધતી જતી મોંઘવારી વચ્ચે આ વખતે ખાતર અને બિયારણના ભાવમાં 5 ટકાથી 10 ટકા જેટલો વધારો થયો હોવાનુ ખેડૂત દિલીપ ભાઈએ જણાવ્યું હતું. તાલુકાના 30 કરતા વધુ ગામના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે અને વરસાદ સમયસર આવશે એવી આશાએ મોંઘા ભાવનું બિયારણ પણ લાવતા હોય છે. સિંચાઈની સુવિધા વધુ ઉપલબ્ધ થાય તે માટે પાનમ સિંચાઈ વિભાગની કેનાલ લાંબી કરવામાં આવે અને આ સિંચાઈ કેનાલના આજુબાજુના ગામોનાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા પ્રયાસો પાનમ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહયુ છે. આ વખતની ચોમાસાની સિઝનમાં સારી એવી ખેતી થાય તે માટે ધરતીપુત્રો મેઘરાજાને સમયસર વરસવા માટે પ્રાર્થના કરી રહયા હતા.