સીંગવડના સીંગાપુર ગામે ખેતરમાં સાળા બનેવીમાં ઝગડો થતાંં બનેવીની ધારીયાના ધા મારી હત્યા કરતાં ચકચાર

દાહોદ, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સીંગાપુર ગામે ખેતરમાં મકાઈ ઓરવાની કામગીરી વેળાએ સાળા અને બનેવીમાં ઝઘડો તકરાર થતાં ઉશ્કેરાયેલ સાળાએ બનેવીને ધારીયાના ઘા ગળાના ભાગે મારી ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આ સંબંધે પોલીસે હત્યારાના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

સીંગવડ તાલુકાના સીંગાપુર ગામે તળાવ ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ ધનાભાઈ બારીયા તથા તેમના પરિવારજનો આજરોજ તારીખ 25મી જુનના રોજ પોતાના ખેતરમાં મકાઈ ઓરવાની કામગીરી કરી રહ્યાં હતા. તે સમયે ત્યાં ગામમાં રહેતાં પ્રતાપભાઈનો સાળો નાયકાભાઈ સોનાભાઈ બારીઆ પોતાના હાથમાં ધારીયુ લઈ આવ્યો હતો અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો બધા બૈરા સાથે મકાઈ ઓરો છો, મારે કોની સાથે લઈને ઓરવાનું, મારી ઘરવાળીને મારા ઘરે લઈ આવો તેમ કહેતાં નાયકાભાઈના બનેવી પ્રતાપભાઈએ તેને પોતાની પાસે બોલાવ્યો હતો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. નાયકાભાઈ અને પ્રતાપભાઈ વચ્ચે બોલાચાલી થતાં એકદમ ઉશ્કેરાયેલ નાયકાભાઈએ પોતાના બનેવી પ્રતાપભાઈને ગળાના ભાગે ધારીયાનો ઘા મારતાં પ્રતાપભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યાં હતાં અને પ્રતાપભાઈનું ઘટના સ્થળ પર મોત નીપજાવી નાયકાભાઈ સોનાભાઈ બારીયા ફરાર થઈ ગયો હતો.

આ સંબંધે સીંગાપુર ગામે તળાવ ફળિયામાં રહેતાં મહેશભાઈ જયંતિભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.